એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરકાયદે સંપત્તિ વસાવનારાઓ સામે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. EDની ટીમે મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA) હેઠળ ગુજરાતના ભાવનગર, અમદાવાદ તેમજ મહારાષ્ટ્રના પુણેમાં દરોડા અને જપ્તીની કાર્યવાહી કરીને કુલ 15 અચલ મિલકતોને પ્રોવિઝનલી અટેચ કરી લીધી છે. આ અટેચ કરાયેલી મિલકતોની આંકડાકીય કિંમત આશરે ₹1.15 કરોડ જેટલી થાય છે.

EDનો ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડો

ED દ્વારા જારી કરાયેલી વિગતો અનુસાર, પ્રોવિઝનલ અટેચમેન્ટ ઓર્ડર હેઠળ ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા, અમદાવાદ શહેરના ઓઢવ અને સાબરમતી વિસ્તાર તેમજ મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા હડપસર વિસ્તારની કિંમતી અચલ મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. આ કાર્યવાહી વાલિયા શિબાભાઈ ઉર્ફે ભુપતભાઈ અને તેમના સહયોગીઓ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે.

ભ્રષ્ટાચારના કેસમાં 1.15 કરોડની 15 મિલકતો અટેચ કરાઈ

આ સમગ્ર મામલાની પૃષ્ઠભૂમિ જોતાં, આરોપી વાલિયા શિબાભાઈ જે તે સમયે ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GLDC) ભરૂચ ખાતે ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેમની સામે ભાવનગર એસીબી (ACB) પોલીસ મથકમાં આવક કરતાં વધુ સંપત્તિ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ એસીબીની એફઆઈઆરના આધારે EDએ તપાસનો દોર સંભાળ્યો હતો અને ભ્રષ્ટાચારની કમાણીમાંથી ઊભી કરાયેલી મિલકતો અટેચ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: DRI એ દેશભરમાં 7 ઓપરેશન યોજી સોનાની તસ્કરીનો પર્દાફાશ કર્યો, આ કેસમાં 4 લોકોની ધરપકડ