ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય અને ભવિષ્યની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને એક અત્યંત સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોમાં નાનપણથી જ ખાંડના સેવનના પ્રમાણને નિયંત્રિત કરવા અને તેનાથી થતાં નુકસાન પ્રત્યે જાગૃતિ લાવવાના આશયથી શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી શાળાઓમાં અભ્યાસ કરતા હજારો બાળકોમાં આરોગ્યપ્રદ ટેવોનો વિકાસ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.
શાળાઓમાં ‘સુગર બોર્ડ’ લગાવાશે
શિક્ષણ બોર્ડના આદેશ અનુસાર, રાજ્યની તમામ શાળાઓમાં ખાસ 'સુગર બોર્ડ' લગાડવામાં આવશે. આ સુગર બોર્ડ પર દૈનિક જીવનમાં વપરાતા વિવિધ ખાદ્યપદાર્થોમાં ખાંડનું પ્રમાણ અને તેનાથી શરીર પર પડતી આડઅસરો વિશેની વિગતો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત, શાળાઓમાં વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને વિદ્યાર્થીઓને ખાંડના વધુ પડતા સેવનથી થતી વિવિધ બીમારીઓ જેવી કે સ્થૂળતા (ઓબેસિટી), ડાયાબિટીસ અને દાંતના રોગો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
