અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભારે માથું ઊંચક્યું છે, જેના કારણે શહેરીજનો મોટા પ્રમાણમાં બીમારીઓનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા અને લાંભા જેવા વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે ઘરોમાં તાવ અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

23 દિવસમાં નોંધાયા સેંકડો કેસ

ચાલુ માસના માત્ર 23 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો રોગચાળાની ગંભીરતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. શહેરમાં 23 દિવસમાં ઝાડા-ઉલ્ટીના સૌથી વધુ 273 અને ટાઇફોઇડના 153 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના 147, સાદા મલેરિયાના 76 અને કમળાના 52 કેસ પ્રકાશમાં આવ્યા છે. એટલું જ નહીં, ઝેરી મલેરિયાના 14 અને ચિકનગુનિયાના 3 કન્ફર્મ કેસ નોંધાતા દૂષિત પાણી અને મચ્છરોના કારણે થતા રોગોનું પ્રમાણ ભયાનક સ્તરે પહોંચ્યું છે.

આરોગ્ય વિભાગ અને રહીશોની ચિંતામાં વધારો

સતત વધી રહેલા આંકડાઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને સ્થાનિક રહીશોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. હોસ્પિટલો અને ખાનગી ક્લિનિક્સમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા દવાઓનો છંટકાવ અને દૂષિત પાણીના જોડાણો ચકાસવાની કામગીરીનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ રોગચાળાના વ્યાપ સામે તંત્રના પગલાં ટૂંકા પડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Jamnagarમાં ગેરકાયદે હથિયારોનો ખેલ, 4 જ દિવસમાં બીજી વખત દેશી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો