અમદાવાદના ગત્રાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં એક ચોંકાવનારો ઇતિહાસ સામે આવ્યો છે. આ એ જ કાળમુખી જગ્યા છે, જ્યાં વર્ષ 2014માં પણ એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. એ સમયે આ ફેક્ટરી રમીલાબેન ડોડીયાની માલિકીની હતી. 2014ના એ વિસ્ફોટમાં વિજયભાઈ ચુનારા નામના 8 વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આટલી મોટી દુર્ઘટના છતાં તંત્રની બેદરકારીને કારણે આ સ્થળે ફરીથી મોતનો સામાન બનાવવાનું શરૂ કરી દેવાયું હતું.

માતાની ઘટના બાદ પુત્ર મેહુલ ડોડીયાએ શરૂ કર્યું હતું કારખાનું

વર્ષ 2014ની ભયાનક ઘટના બાદ પણ ડોડીયા પરિવારે કોઈ પાઠ ભણ્યો ન હતો. રમીલાબેન ડોડીયાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ, તેમના પુત્ર મેહુલ ડોડીયાએ ફરીથી આ જ જગ્યાએ ફટાકડાનું કારખાનું ધમધમતું કરી દીધું હતું. મેહુલ ડોડીયાના નામે ચાલી રહેલા આ ગેરકાયદે કારખાનામાં ફરીથી એ જ ઇતિહાસ દોહરાવાયો છે, અને એક મોટો બ્લાસ્ટ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, 2014ની ઘટનાના પીડિતો આજે 12 વર્ષ બાદ પણ હજુ સુધી ન્યાયથી વંચિત છે, ત્યાં જ આ બીજી મોટી દુર્ઘટના ઘટી છે.

https://twitter.com/sandeshnews/status/2078520742988468470

LG હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ 8 લોકોના મોત, કુલ આંકડો 9 પર પહોંચ્યો

વર્તમાન બ્લાસ્ટની ઘટનાને લઈને અત્યંત માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મોત નીપજ્યા છે. વિસ્ફોટ બાદ એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા 9 દર્દીઓ પૈકી 8 લોકો જિંદગીની જંગ હારી ગયા છે. હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સારવાર દરમિયાન દમ તોડનારાઓમાં 3 મહિલાઓ, 3 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે.

હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા, 1 મહિલા સારવાર હેઠળ

આ ભયાનક આગકાંડ અને બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે, ફેક્ટરીમાં હાજર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. હાલમાં એલજી હોસ્પિટલમાં માત્ર 1 મહિલા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા અનુસાર, મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી આ ફટાકડા ફેક્ટરી આગકાંડમાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા આ મામલે મિલકત માલિક સામે કડક કાનૂની પગલાં લેવાની તજવીજ શરૂ કરાઈ છે.


આ પણ વાંચો - Ahmedabadમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક વધીને થયો 9, લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી હતી ફેક્ટરી