અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.શહેરમાં ફ્લેશ ફ્લડ અને તીવ્ર વાવાઝોડાની આશંકાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.સાવચેતી અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે શહેરની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને જરૂર વગર બહાર ન નીકળવા, શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ કરવા અને સંપૂર્ણ સાવચેતી વર્તવા માટે અપીલ કરવામાં આવી છે.

શહેરમાં પાણીના નિકાલ માટે તંત્ર સજ્જ

શહેરમાં જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે AMC દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરી લેવાઈ છે. નદીના પાણીનું સ્તર ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.શહેરના નીચાણવાળા અને પાણી ભરાતા વિસ્તારોમાંથી તાત્કાલિક નિકાલ માટે 245 સ્ટ્રોમ વોટર પંપ અને ડ્રેનેજ લાઇનના 345 પંપ સતત કાર્યરત કરી દેવાયા છે.આ સાથે જ કોઈપણ આકસ્મિક કટોકટી, બચાવ કે રાહત કામગીરી માટે ફાયર બ્રિગેડની ટીમોને પણ હાઈએલર્ટ મોડ પર તૈનાત રાખવામાં આવી છે.

મેયરે નાગરિકોને અપીલ કરી

અમદાવાદ શહેરમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે મેયર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.મનપા દ્વારા નીચાણવાળા અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકો માટે વિવિધ કોમ્યુનિટી હોલ ખાતે રહેવા અને જમવાની વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. મેયરે ખાતરી આપતા જણાવ્યું હતું કે નાગરિકોની સેવા અને સુરક્ષા માટે મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને કોઈપણ મુશ્કેલીના સમયે મદદ માટે 24 કલાક હાજર રહેશે તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ Patan જિલ્લા કલેક્ટરનો આદેશ, વરસાદની ભીતિ વચ્ચે તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના