મેગા સિટી અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે રાહદારીઓની સુવિધા અને સલામતી માટે બનાવવામાં આવેલા ફૂટપાથ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. શહેરના પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથ પર રાહદારીઓને ચાલવા માટે જગ્યા જ બચી નથી. ક્યાંક વેપારીઓએ પોતાની દુકાનોનો સામાન બહાર કાઢીને ફૂટપાથ પચાવી પાડ્યો છે, તો ક્યાંક ખાણીપીણીની લારીઓ અને ગલ્લાઓનો કાયમી અડિંગો જામી ગયો છે. પરિણામે, શહેરીજનોએ જીવના જોખમે પૂરપાટ દોડતાં વાહનોની વચ્ચે મુખ્ય રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે. રાહદારીઓની સુરક્ષાને લઈને AMC તંત્રની ઘોર બેદરકારી સામે આવતાં હવે એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે.
રાહદારીઓ માટે જીવનું જોખમ
ફૂટપાથ બ્લોક થઈ જતાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને દિવ્યાંગોએ વાહનો વચ્ચેથી પસાર થવું પડે છે, જેના કારણે જીવલેણ અકસ્માતનું જોખમ અનેકગણું વધી ગયું છે.દબાણો ઉપરાંત અનેક વિસ્તારોમાં ફૂટપાથ તૂટેલી હાલતમાં છે અથવા તો તેના પર ટુ-વ્હીલર પાર્ક કરી દેવામાં આવે છે, જેનાથી પેડેસ્ટ્રિયન ટ્રેક સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા કરાતી દબાણ હટાવ ઝુંબેશ માત્ર ફોટો સેશન અને દેખાડા પૂરતી મર્યાદિત રહે છે; ટીમ જાય એટલે ફરી દબાણ થઈ જાય છે.
