સુરત શહેરના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતી એક અત્યંત લોહિયાળ અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. બીઆરસી (BRC) પોલીસ ચોકીથી માંડ 500 મીટરના અંતરે એક પૂર્વ પતિએ ધોળે દિવસે જાહેર માર્ગ પર પોતાની ૨૩ વર્ષીય પૂર્વ પત્ની પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવતીએ ઘટનાના માત્ર એક દિવસ અગાઉ જ બીજા લગ્ન કરી લીધા હોવાની અદાવત રાખીને ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ આ ખૌફનાક કાંડ આચર્યો હતો. આ સમગ્ર હિચકારો હુમલો નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયો છે, જેના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને દબોચી લેવા કવાયત તેજ કરી છે.

પાછળથી દોડી આવી ગળા અને હાથ પર ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંક્યા

23 વર્ષીય યુવતી પોતાની સાથે રહેલી અન્ય એક મહિલા સાથે ઉધના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.તે દરમિયાન તેનો પૂર્વ પતિ સચિન હાથમાં તીક્ષ્ણ ચપ્પુ લઈને પાછળથી દોડતો આવ્યો હતો અને કોઈ કંઈ સમજે તે પહેલાં જ યુવતી પર તૂટી પડ્યો હતો.આરોપી સચિને યુવતીના ગળા અને હાથના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકી દેતાં રસ્તા પર જ લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં અને યુવતી ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગઈ હતી.

આરોપીના વાળ ખેંચી જીવ બચાવ્યો

હુમલો થતાં જ યુવતી સાથે ચાલી રહેલી અન્ય મહિલાએ અદભુત હિંમત દર્શાવી હતી.તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને હુમલાખોર સચિનના પાછળથી જોરથી વાળ ખેંચી લીધા હતા અને તેને યુવતીથી દૂર ખસેડવાનો પૂરજોશમાં પ્રયાસ કર્યો હતો.મહિલાના પ્રતિકાર અને આસપાસના લોકોના અવાજને કારણે હુમલાખોર વધુ ઘા ઝીંકી શક્યો નહોતો અને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જેના કારણે યુવતીનો જીવ માંડ માંડ બચી શક્યો હતો.ગંભીર રીતે ઘવાયેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બીજા લગ્નની અદાવતમાં હુમલો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર યુવતીએ હુમલાના બરાબર એક દિવસ પહેલાં જ પોતાની નવી જિંદગી શરૂ કરવા માટે બીજા લગ્ન કર્યા હતા.આ બાબતની જાણ થતાં જ તેના પૂર્વ પતિ સચિને ખુન્નસ રાખીને હત્યાના ઈરાદે આ ઘાતકી પ્લાન બનાવ્યો હતો.બીઆરસી પોલીસ ચોકીની નજીક જ બનેલી આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સચિન વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો રવાના કરી છે.

આ પણ વાંચો: Surat: અડાજણની મહિલાને 21 દિવસ કેદ રાખી 73 લાખ પડાવ્યા; ED અને સુપ્રીમ કોર્ટના નામે ડરાવી FD-સોનું લૂંટ્યું