ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડના કેસ સતત વધી રહ્યાં છે. રોજબરોજ ઓનલાઈન ફ્રોડની નવી મોડસ ઓપરેન્ડી સામે આવતી રહે છે. ત્યારે ગુજરાતમાં SD PAY App દ્વારા લાખો લોકો સાથે ફ્રોડ આચરવા મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસનો એવો દાવો છે કે, આ એપ દ્વારા 6 લાખ 52 હજાર લોકોના બેંક એકાઉન્ટમાંથી 1211 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. જો આ એપ અંગે તપાસ થાય તો ત્રણ હજાર કરોડથી વધુનું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ છે.
સામાન્ય લોકોએ એસડી પેમાં પોતાના પૈસા મૂક્યા હતા
અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ ડો. અમીબેન યાજ્ઞિકે કહ્યું હતું કે, રાજ્યમાં ધવલ પટેલ અને અન્ય વ્યક્તિઓ દ્વારા SD Pay નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ હતી. આ એપ્લિકેશન મારફતે તેઓ લોકો પાસેથી રૂપિયા ખંખેરતા હતાં. આ એપ્લિકેશનનું કૌભાંડ સૌથી પહેલા અમરેલીમાં સામે આવ્યું હતું અને ત્યારબાદ તેનો વ્યાપ અન્ય વિસ્તારોમાં ખૂલ્યો હતો. સમગ્ર દેશમાં આ એસડી પે ફ્રોડની સૌથી વધુ ગંભીર અસર ગુજરાતમાં થઈ છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ આ ફ્રોડ આચરવામાં આવ્યું હતું. એકલા ગુજરાતમાં જ અંદાજે 6 લાખ જેટલા સામાન્ય લોકોએ એસડી પેમાં પોતાના પૈસા મૂક્યા હતા.
તપાસ થાય તો રૂ. 3000 કરોડનું જંગી ફ્રોડ સામે આવશે
ડો. અમીબેને વધુમાં કહ્યું હતું કે, જોકે રોકાણ કર્યા બાદ નિર્ધારિત સમયમાં વળતર કે નાણાં પરત ના આવતા આખરે આ એક મોટું સાયબર ફ્રોડ થયું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી. આ સાયબર ફ્રોડની તપાસમાં એવી વિગતો ખુલી છે કે મુખ્ય સૂત્રધાર ધવલ પટેલ સાથે અન્ય બે વ્યક્તિ પણ આ સમગ્ર ફ્રોડમાં સામેલ છે.હાલના તબક્કે એસડી પે દ્વારા કુલ રૂ.1200 કરોડનું ફ્રોડ થયું હોવાનો સત્તાવાર અંદાજ લગાવવામાં આવ્યો છે.જો આ સમગ્ર પ્રકરણમાં તપાસ એજન્સીઓ દ્વારા તટસ્થ અને યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો રૂ. 3000 કરોડનું જંગી ફ્રોડ સામે આવશે. સામાન્ય રોકાણકારો સાથે આટલું મોટું નાણાકીય ફ્રોડ થયું હોવા છતાં દેશની સર્વોચ્ચ નિયમનકાર રિઝર્વ બેંક કેમ ચુપ છે તેવો વેધક પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી સમક્ષ યોગ્ય ન્યાય માટે રજૂઆત કરવામાં આવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીડિત લોકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ઓનલાઈન પીટીશન મૂકવામાં આવશે. જે લોકોએ એસડી પેમાં પોતાના પૈસા મૂક્યા હતા તે તમામ અસરગ્રસ્ત લોકો આ પીટીશનમાં જોડાય તેવો અનુરોધ કરાયો છે. આ પ્રક્રિયા બાદ એકત્ર થયેલી તમામ લોકોની યાદીને ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ યોગ્ય ન્યાય માટે રજૂઆત કરવામાં આવશે. ગુજરાતમાં 25 વર્ષમાં 9 મહિના દરમિયાન લાખો ફરિયાદ આવી ચૂકી છે, જેમાં 72 હજાર લોકોના રૂ. 600 કરોડની રકમનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં તમામ જિલ્લા સુધી આ સમગ્ર કૌભાંડની માહિતી પહોંચાડવામાં આવશે. આ પગલું કોઈ રાજકીય લાભ માટેનું નથી પરંતુ માત્ર પીડિત લોકોની મદદ માટેનો પ્રયાસ છે.
આ પણ વાંચોઃ Morbi News: મને માત્ર કાગળ પૂરતો જ ચેરમેન રાખ્યો હતો, હળવદ પાલિકા કારોબારી ચેરમેને રાજીનામું ધર્યું