અમદાવાદમાં ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલી મુરલીધર રેસ્ટોરન્ટમાં ભાજીપાંવમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ એક ગ્રાહકે કર્યો છે. ગ્રાહક દ્વારા બનાવવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
દુકાનદાર દ્વારા ગ્રાહકને ઉદ્ધત જવાબ આપ્યાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, ગ્રાહક રેસ્ટોરન્ટમાં ભાજીપાંવ ખાઈ રહ્યો હતો ત્યારે તેમાં જીવાત જોવા મળી હતી. આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલકોને જાણ કરી હતી અને બાદમાં સ્થળ પર હોબાળો પણ થયો હતો. ગ્રાહકનો આક્ષેપ છે કે આ બાબતે દુકાનદાર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો અને ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગની ટીમ સક્રિય થઈ હતી અને રેસ્ટોરન્ટની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતાના નિયમોમાં ખામીઓ મળી આવતા રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. AMC ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને ₹25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા સામે ફરી સવાલો ઉઠ્યા
અધિકારીઓએ ખાણીપીણીના વ્યવસાયિકોને સ્વચ્છતા જાળવવા અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. શહેરમાં અગાઉ પણ વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ફરિયાદો સામે આવી ચૂકી છે. આ ઘટનાએ ફરી એકવાર રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટીના નિયમોના પાલન અંગે ચર્ચા શરૂ કરી છે. ગ્રાહકો પણ ખોરાકની ગુણવત્તા અંગે વધુ સાવચેત બન્યા છે અને તંત્ર દ્વારા આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad રથયાત્રા માટે લોખંડી બંદોબસ્ત: 30 હજારથી વધુ જવાનો અને 65 ડ્રોન કેમેરાથી રખાશે હાઈટેક નજર









