અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત GMDC ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે યોજાતા રાજ્ય સરકારના શાનદાર અને લોકપ્રિય 'વાઇબ્રન્ટ નવરાત્રી' મહોત્સવને લઈને એક મોટો ફેરફાર સામે આવ્યો છે. અત્યાર સુધી જે વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓ અને દર્શકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક (ફ્રી) રાખવામાં આવતો હતો, ત્યાં આ વર્ષેથી ગરબા રસિકોએ પ્રવેશ મેળવવા માટે ફી ચૂકવવી પડશે. તંત્ર દ્વારા આ વર્ષે પ્રવેશ માટે સશુલ્ક ટિકિટ વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે, જેને પગલે ગરબા શોખીનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રી ફ્રી નહીં રહે
નવી ટિકિટિંગ વ્યવસ્થા મુજબ, GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ-અલગ ઝોન માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સામાન્ય ગરબા રસિકો માટે 'સેલિબ્રેશન ઝોન' ની ટિકિટનો દર ₹100 થી શરૂ થશે. જ્યારે ખાસ સુવિધાઓ ધરાવતા 'પ્રીમિયમ ઝોન' માં પ્રવેશવા માટે ગરબા શોખીનોએ ₹200 થી લઈને ₹1,200 સુધીની ટિકિટ ખરીદવી પડશે. આ વહીવટી નિર્ણય બાદ રાજ્ય પ્રવાસન વિભાગ અને આયોજકો દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રી માટેની ઓનલાઇન ટિકિટનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
