શંકા વ્યાધિ સમાન છે અને આ જ શંકા જ્યારે મગજ પર સવાર થઈ જાય, ત્યારે માણસ લોહીની હોળી રમતા પણ અચકાતો નથી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વર્ષ 2022માં માત્ર પત્ની સાથેના આડા સંબંધોની શંકાના આધારે પાડોશી યુવકની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપી આબિદ ખાન પઠાણને દોષિત જાહેર કરી આજીવન કેદની સખત સજા ફટકારી છે.
શું હતી સમગ્ર ઘટના?
સમગ્ર મામલાની વિગત એવી છે કે, વર્ષ 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. વિસ્તારમાં રહેતા આબિદ ખાન પઠાણ નામના શખ્સને મનમાં એવી વહેમ-શંકા પેસી ગઈ હતી કે, તેના પાડોશમાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે ગેરકાયદે સંબંધો છે. આ આંધળી શંકાના કારણે આબિદ ખાને તમામ હદો પાર કરી દીધી હતી. એક દિવસ ઉશ્કેરાયેલા આબિદ ખાને તલવાર જેવા ધારદાર હથિયાર વડે પાડોશી યુવક પર તૂટી પડી, તેને જાહેરમાં ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યો હતો.













