AMC દ્વારા બનાવેલા મકરબા બ્રિજમાં ધાંધિયા બાદ હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો સચેત થઈ ગયા છે. ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં ગોતા રેલવે બ્રિજના આવેલા કામ અંગે ચર્ચા કર્યા બાદ અભ્યાસ કરીને મૂકવાની સૂચના આપી કામ પરત મોકલ્યું હતું, કારણ કે ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતામાં જનતાનગર રેલવે ઓવરબ્રિજ બને ત્યાં સુધી વૈકલ્પિક ટ્રાફિકની કોઈ વ્યવસ્થાનો ઉલ્લેખ જ નથી. કેટલાક હોદ્દેદારો આ બ્રિજ નિર્માણમાં ગંભીર ભૂલ થઈ હોવાનું જાહેરમાં સ્વીકારે છે, પરંતુ જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી કોઈ જ કડક પગલાં ભરાયાં નથી. 

રેલવે ઓવરબ્રિજના કામ અંગે ગંભીર ચર્ચા થઈ

આ વિવાદની શાહી હજુ સુકાઈ નથી ત્યાં અધિકારીઓ દ્વારા પૂરતા અભ્યાસ વગર જ ગોતા રેલવે ઓવરબ્રિજનું કામ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અર્થે મૂકી દેવાયું હતું. મળેલી બેઠકમાં ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતાના જનતાનગર રેલવે ઓવરબ્રિજના કામ અંગે ગંભીર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન ચેરમેન અને સભ્યોએ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલે ત્યાં સુધી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે પ્રશ્નો પૂછ્યા હતા. પરંતુ અધિકારીઓ પાસે ટ્રાફિક સુચારુ રાખવા અને જંક્શન ઇમ્પ્રુવમેન્ટ સહિતના મુદ્દાઓ અંગે કોઈ સ્પષ્ટ યોજના ન હોવાથી કમિટીએ આ કામને મંજૂર કરવાના બદલે પરત મોકલી દીધું હતું. 

વૈકલ્પિક રસ્તાઓની સ્પષ્ટ જોગવાઈ સાથે ફરી દરખાસ્ત

સ્ટેન્ડિંગ કમિટીએ આ અંગે યોગ્ય અભ્યાસ કરીને, વૈકલ્પિક રસ્તાઓની સ્પષ્ટ જોગવાઈ સાથે ફરી દરખાસ્ત રજૂ કરવા આદેશ આપ્યો છે. મકરબાની ભૂલમાંથી પાઠ ભણીને કમિટીએ હવે ઉતાવળિયું પગલું ભરવાનું ટાળ્યું છે. સરસપુર-રખિયાલ વોર્ડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઇ છે. આ કામગીરીમાં રસ્તાને અડીને આવેલું પૌરાણિક બાલાહનુમાન મંદિર નડતરરૂપ બનતું હતું. મંદિરના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોએ મંદિરને અન્ય યોગ્ય સ્થળે ખસેડવાની માંગણી કરતા તંત્ર દ્વારા સ્વીકાર કરાયો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : હવે પંચવટી ફ્લાયઓવરની ડિઝાઈન વિવાદમાં, મનસ્વી નિર્ણયથી ભયંકર ટ્રાફિક જામની ભીતિ