અમદાવાદ શહેરમાં સામાન્ય નાગરિકો જ્યારે કોઈ નાનો ધાર્મિક કે સામાજિક કાર્યક્રમ યોજે છે ત્યારે તેમને જરૂરી મંજૂરીઓ મેળવવા માટે સરકારી કચેરીઓના અસંખ્ય ધક્કા ખાવા પડતા હોય છે.બીજી તરફ મોટા આયોજકો અને સેલિબ્રિટીઓ માટે નિયમો જાણે ગૌણ હોય તેમ છૂટછાટો અપાય છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમના 44 જેટલા મહત્વના એક્ઝિટ પોઇન્ટ બંધ હોવાનું સામે આવ્યું છે તેમજ ફાયર એનઓસી માટે હજુ વધુ ચકાસણી જરૂરી ગણાઈ છે.સ્ટેડિયમમાં એકત્ર થનાર માનવમેદની વચ્ચે જો કોઈ નાની કે મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી આયોજકો,પોલીસ કે મહાનગરપાલિકામાંથી કોણ લેશે?

વ્યવસ્થા જાળવવાની ફરજ માત્ર આ કોન્સર્ટ સ્થળ પૂરતી જ સીમિત છે?

શું અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ માત્ર આ કોન્સર્ટ સ્થળ પૂરતી જ સીમિત છે? શું શહેરમાં ડ્રગ્સ,ચોરી,લૂંટ કે હત્યા જેવી ગુનાખોરીની ઘટનાઓ અટકી ગઈ છે કે પોલીસ પાસે હવે માત્ર કોન્સર્ટની સુરક્ષા સંભાળવાનું કામ બાકી રહ્યું છે?નાગરિકોની શાંતિ,ટ્રાફિક વ્યવસ્થા,ગુના નિયંત્રણ અને ઇમરજન્સી સેવાઓની જરૂરિયાત સમયે પોલીસ અને ફાયર વિભાગના આટલા મોટા કાફલાને એક કાર્યક્રમ પાછળ રોકી રાખવાથી અન્ય વિસ્તારોમાં સુરક્ષા કોણ સંભાળશે? પોલીસ કર્મચારીઓની આ ગેરહાજરીથી ઊભી થનારી સુરક્ષા વ્યવસ્થાની ખામીની ભરપાઈ કોણ કરશે અને અણધારી આફત સમયે નાગરિકો કોની પાસે જશે તે મોટો સવાલ છે. આ ઉપરાંત ખાનગી કાર્યક્રમની સુરક્ષા પાછળ સરકારી કર્મચારીઓ અને સરકારી સંસાધનોનો આટલો મોટો કાફલો વપરાય છે તો તેનો ખર્ચ ખાનગી આયોજકો ચૂકવશે કે પછી પ્રજાની સરકારી તિજોરીમાંથી ભોગવવામાં આવશે?

અમદાવાદના લાખો સામાન્ય નાગરિકોની રોજિંદી સુરક્ષા પણ છે

શું સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની પ્રાથમિક ફરજ સામાન્ય જનતાની સલામતી રાખવાની છે કે સેલિબ્રિટીઓના ખાનગી કાર્યક્રમોની વ્યવસ્થા ગોઠવવાની? કોન્સર્ટમાં ઉપસ્થિત રહેનારા હજારો પ્રેક્ષકોની સલામતી જેટલી જ મહત્વની અમદાવાદના લાખો સામાન્ય નાગરિકોની રોજિંદી સુરક્ષા પણ છે.નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે કે મોટા આયોજકો અને સેલિબ્રિટીઓ માટે પણ સમાન છે તે સ્પષ્ટ થવું જોઈએ.માત્ર કોઈ એક કાર્યક્રમ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય તે વહીવટી તંત્રની વાસ્તવિક સફળતા ન ગણાય. શહેરની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અને પ્રજાની સલામતીના ભોગે કોઈ ચોક્કસ ખાનગી કાર્યક્રમને સફળ બનાવવો એ વહીવટી તંત્રની પ્રાથમિકતાઓ અને સત્તાવાર જવાબદારી સામે ગંભીર સવાલ ખડો કરે છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: દિલજીતના કોન્સર્ટમાં ક્રિકેટના મેદાનમાં ચાહકોને મળશે પ્રવેશ,જાણો કયા પાસનો કેટલો છે ભાવ