દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને નર્મદાની કોર્ટે સાત વર્ષની કેદની સજા ફટકારી છે. આ દરમિયાન ધારાસભ્ય પદ બચાવવા માટે જામીન મેળવવા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે નર્મદા કોર્ટના ચુકાદા પર સ્ટે માગતી અરજી પણ કરી છે. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર પક્ષ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી.
ફરજ પર રહેલા વનકર્મીઓ પર હુમલો કર્યાનો દાવો
આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી જામીન અરજી મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકાર પક્ષ તરફથી ઉપસ્થિત રહેલા સરકારી વકીલ મિતેષ અમીને ધારાસભ્ય સામે અત્યંત ગંભીર આરોપો મૂકતાં ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, ચૈતર વસાવા અને તેમના સાથીદારોએ પોતાની ફરજ પર રહેલા વનકર્મીઓ પર હુમલો કર્યો હતો અને હવામાં ફાયરિંગ કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારાસભ્ય સામે પોલીસ દ્વારા તમામ કાયદેસરની કાર્યવાહી સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે.
