હિમાચલ પ્રદેશના શિમલામાં ઓગસ્ટ માસમાં પકડાયેલા કરોડો રૂપિયાના 1.120 કિલોગ્રામ હેરોઇન કેસમાં નાસતા-ફરતા મુખ્ય આરોપી આઝાદસિંહ જયપાલસિંહ વાલ્મિકીને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ અમદાવાદમાંથી દબોચી લીધો છે.

શિમલાના 1 કિલોથી વધુ હેરોઇન કેસ

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આઝાદસિંહ ચંડીગઢ એરપોર્ટ પર સેલ્સ બોય તરીકે નોકરી કરતો હતો. ત્યાં તેની મુલાકાત એક ટેક્સીચાલક સાથે થઈ હતી, જેણે હેરોઇનના ગ્રાહકો શોધી આપવાના બદલામાં મોટું કમિશન આપવાની લાલચ આપી હતી. કમિશન મેળવવાની લાલચમાં આઝાદસિંહે પોતાના કાકાના દીકરા વિજય કુમારનો સંપર્ક કરી હેરોઇનની સપ્લાય અંગે વાતચીત કરી હતી.યોજના મુજબ આઝાદસિંહનો પિતરાઈ ભાઈ વિજય કુમાર 1 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો લઈને શિમલા ગયો હતો. જોકે, ગત 3 ઓગસ્ટના રોજ શિમલા વેસ્ટ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વિજય કુમારને 1.120 કિલોગ્રામ હેરોઇન સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. વિજયની ધરપકડના સમાચાર મળતાં જ આઝાદસિંહ ફરાર થઈ ગયો હતો.

આરોપી અમદાવાદથી ઝડપાયો

શિમલા પોલીસથી બચવા માટે આઝાદસિંહે અબુધાબી (UAE) ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત તે દિલ્હીથી ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલી 'હોટલ ગોવિંદમ'માં તે રોકાયો હોવાની ચોક્કસ બાતમી મળતાં ગુજરાત ATS ની ટીમે દરોડો પાડી તેની અટકાયત કરી હતી.શિમલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 21 હેઠળ નોંધાયેલા ગુના અંગે ગુજરાત ATS એ હિમાચલ પ્રદેશ પોલીસને વિધિવત સત્તાવાર જાણ કરી છે અને આરોપીને કબજો સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Junagadh: રાજુ સોલંકીના પુત્ર પર હુમલાના કેસમાં ગણેશ જાડેજાનો થયો છુટકારો, સમાધાન બાદ મળી મોટી રાહત