ગુજરાતમાં નવજાત શિશુઓથી લઈને કિશોર વયના બાળકોના સ્વાસ્થ્યને લઈને બે અત્યંત ચિંતાજનક બાબતો સામે આવી છે. એક તરફ મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોમાં માનસિક સમસ્યાઓ ઝડપથી વધી રહી છે, તો બીજી તરફ અધૂરા મહિને જન્મેલા અને ઓછું વજન ધરાવતા નવજાત બાળકોમાં આંખની ગંભીર બીમારીનું જોખમ વધી રહ્યું છે. આ બંને પરિસ્થિતિઓ વાલીઓ અને આરોગ્ય તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.

મોબાઈલના વધુ ઉપયોગથી માનસિક સમસ્યાઓ વધી

રાજ્યમાં બાળકોમાં માનસિક સમસ્યાઓના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી બાળકો પર ગંભીર માનસિક અસર થઈ રહી છે, જેના પરિણામે ગુજરાતમાં દરરોજ 250 બાળકોને માનસિક સારવારની જરૂર પડી રહી છે. સોશિયલ મીડિયાના દુરુપયોગથી બાળકોની મુશ્કેલીઓમાં સતત વધારો થયો છે. સ્ક્રીન ટાઈમ વધવાને કારણે બાળકોનો પોતાના પરિવાર સાથેનો સંવાદ ઘટી ગયો છે, જેના લીધે બાળકોમાં ડિપ્રેશન અને ચિંતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

અધૂરા મહિને જન્મેલા 22 થી 52 ટકા બાળકો આંખની બીમારીથી પીડિત

બીજી તરફ, જન્મ સમયે ઓછું વજન ધરાવતા અને અધૂરા મહિને જન્મેલા નવજાત બાળકોમાં આંખની બીમારીનું જોખમ વધ્યું છે, જેમાં 22 થી 52 ટકા બાળકો આંખની બીમારીથી પીડિત જોવા મળે છે. તબીબોના મતે જો આવા બાળકોની સમયસર આંખની તપાસ ન કરાવવામાં આવે, તો તેમની દ્રષ્ટિ પર અત્યંત ગંભીર અસર પડી શકે છે. જોકે, સમયસર ROP સારવાર આપવામાં આવે તો બાળકની આંખોની રોશની બચાવી શકાય છે. બાળકોની આંખો બચાવવા માટે રાજ્યમાં દર વર્ષે 6 હજારથી વધુ બાળકોની તપાસ કરવામાં આવે છે, અને છેલ્લા 3 વર્ષમાં કુલ 6,111 બાળકોની ROP તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: લાલગેટ વિસ્તારમાં MD ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ, મેફેડ્રોન સહિત ₹2.33 લાખનો મુદ્દામાલ જપ્ત