સુરત શહેરમાં યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોના નેટવર્ક સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરતની લાલગેટ પોલીસે બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દરોડો પાડીને એમડી (MD) ડ્રગ્સનું વેચાણ કરતી એક મહિલાને રંગેહાથ ઝડપી પાડી છે. પોલીસે આરોપી મહિલા પાસેથી ₹1.85 લાખની કિંમતનું 61.780 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને વજનકાંટો સહિત કુલ રૂપિયા 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફ્લેટમાંથી MD ડ્રગ્સ વેચતી મહિલા ઝડપાઈ
લાલગેટ પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાલગેટ વિસ્તારના એક ફ્લેટમાં રેડ કરી હતી, જ્યાંથી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતી રુબીના યુનુસખાન પઠાણ નામની મહિલાને ઝડપી પાડવામાં આવી હતી.પોલીસે ફ્લેટની તલાશી લેતા ત્યાંથી 61.780 ગ્રામ મેફેડ્રોન (MD ડ્રગ્સ) મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1.85 લાખ થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને ડ્રગ્સ તોલવા માટેનો વજનકાંટો મળીને કુલ રૂપિયા 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
