2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા અને પક્ષમાં આક્રમક વ્યૂહરચના ઘડવા માટે રાહુલ ગાંધીએ ફાયરબ્રાન્ડ નેતા અને મહાસચિવ રણદીપ સુરજેવાલાને ગુજરાતના મોરચે તૈનાત કર્યા છે. જોકે, રણદીપ સુરજેવાલાની ગુજરાતની પ્રથમ મુલાકાત સાથે જ રાજ્ય નેતૃત્વ અને પક્ષના સૌથી મજબૂત ગણાતા બનાસકાંઠા જિલ્લા એકમ વચ્ચે આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે.
અમિત ચાવડા વિરુદ્ધ ગુલાબ સિંહ રાજપૂત
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત વચ્ચેનો આંતરિક અસંતોષ હવે ખુલ્લી લડાઈમાં ફેરવાઈ ગયો છે. ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા કોંગ્રેસ સમિતિ માટે ઉપપ્રમુખો, મહામંત્રીઓ, સચિવો અને કારોબારી સભ્યો સહિત 200થી વધુ હોદ્દેદારોની નવી સંગઠનાત્મક યાદી તૈયાર કરી હતી. આ યાદી રાજ્ય સમિતિની સત્તાવાર મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાતાં, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક અસરથી સમગ્ર માળખાને વિસર્જિત અને રદ કરી દીધું હતું. અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે પ્રદેશ નેતૃત્વ સાથે સલાહ-મશવરા વિના કરવામાં આવેલી કોઈપણ નિમણૂક માન્ય રહેશે નહીં.સાંસદ ગેનીબેન ઠાકોર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો
https://twitter.com/GulabsinhRajput/status/2099538873558913439
ગુલાબસિંહ રાજપૂતે પ્રદેશ નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો
અમિત ચાવડાના કડક સ્ટેન્ડ બાદ, ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રદેશ નેતૃત્વ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પક્ષની ખરી લડાઈ અંદરોઅંદર લડવાને બદલે જનતાના મુદ્દાઓ પર શાસક ભાજપ સરકાર સામે હોવી જોઈએ. આ સાથે જ તેમણે પક્ષના કેટલાક નેતાઓ પર ભાજપ સાથે સાંઠગાંઠ કરીને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતાં સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું રચવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ખેંચતાણ વચ્ચે યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રોહિત પારેગીએ પણ રાજીનામું આપી દેતાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે.
કોણ છે ગુલાબસિંહ રાજપૂત?
ગુલાબસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અને ઉત્તર ગુજરાત કોંગ્રેસના અગ્રણી યુવા ચહેરા ગણાય છે. તેઓ થરાદ બેઠક પરથી 2019ની પેટાચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. ભૂતકાળમાં તેઓ ગુજરાત યુવા કોંગ્રેસ અને NSUIના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. 2024ની વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે તેમને સત્તાવાર ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો. બનાસકાંઠાના રાજકારણમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની જોડીને કોંગ્રેસનો મુખ્ય આધારસ્તંભ માનવામાં આવે છે.
નવા પ્રભારી આંતરિક સંગઠનાત્મક વિવાદને શમાવી દેશે?
બનાસકાંઠા એ એ જ લોકસભા બેઠક છે જ્યાં 2024માં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત મેળવીને ભાજપની ક્લીન સ્વીપની સતત હેટ્રિક રોકી હતી. હવે જ્યારે 'મિશન 2027' માટે ઉત્તર ગુજરાત અત્યંત મહત્વનું છે, ત્યારે નવા પ્રભારી રણદીપ સુરજેવાલા આ આંતરિક સંગઠનાત્મક વિવાદને શમાવીને બનાસકાંઠામાં કોંગ્રેસની એકતા કેવી રીતે જાળવી રાખે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
