ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે ગૃહ વિભાગ દ્વારા અગાઉ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનને તપાસમાં માર્ગદર્શન આપવાની સત્તા સોંપવામાં આવી હતી. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન હવે પોલીસ તપાસ દરમિયાન સીધું માર્ગદર્શન અને સલાહ-સૂચન આપી શકે છે.જેના પગલે રાજ્યમાં અગાઉના આશરે 10 ટકા જેટલા નીચા કન્વિક્શન રેટમાં નોંધપાત્ર સુધારો અને વધારો થયો છે.વર્ષ 2024માં જે દર 10.5 ટકા હતો તે 2025માં વધીને 14 ટકા અને 2026ના સપ્ટેમ્બર માસ સુધીમાં વધીને 21.58 ટકા સુધી પહોંચ્યો છે. જાણો આ રીપોર્ટમાં કયા કેસમાં કેટલું કન્વિક્શન થયું

આરોપીઓ ટેકનિકલ ખામીઓનો લાભ લઈને નિર્દોષ છૂટી જતા
અત્યાર સુધી પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહી વચ્ચે સંકલનના અભાવે અનેક કિસ્સાઓમાં આરોપીઓ ટેકનિકલ ખામીઓનો લાભ લઈને નિર્દોષ છૂટી જતા હતા. DOPના ડાયરેક્ટર એ.આર.પટેલે જણાવ્યું હતું કે,કન્વિક્શન રેટ વધવા પાછળ કેસોનું સતત મોનિટરિંગ મુખ્ય પરિબળ છે.નવા જાહેરનામા મુજબ,તપાસ અધિકારીએ તૈયાર કરેલી ચાર્જશીટમાં કોઈ કાયદાકીય ભૂલ જણાશે તો ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તેને પરત મોકલી શકશે અને તપાસમાં રહેલી ક્ષતિ સુધરાવી શકશે.છેતરપિંડી કેસોમાં ઘણા કિસ્સાઓમાં આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે.આવા કિસ્સાઓમાં તપાસ કરનારા પોલીસ અધિકારી અથવા પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા કોઈ ભૂલ કે ક્ષતિ રહી ગઈ છે કે કેમ તેની તપાસ અને સમીક્ષા કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરાઈ છે.

કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગને ભલામણ કરી
આ સમિતિએ 9 પોલીસ અધિકારીઓ અને 2 પબ્લિક પ્રોસિક્યુટરો સામે કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગને ભલામણ કરી છે.આ ઉપરાંત અન્ય 9 પોલીસ અધિકારીઓને કારણદર્શક નોટિસો ફટકારાઈ છે.આ સમીક્ષા સમિતિ દ્વારા જે કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હોય તેવા તમામ કિસ્સાઓ અને કોર્ટના હુકમોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરાઈ છે.

શિસ્ત અધિકારીને સ્પષ્ટ ભલામણ કરવામાં આવશે
અદાલતમાં પ્રોસિક્યુશનની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ દ્વારા થયેલી ભૂલો અને તેના કારણોની વિગતવાર નોંધ તૈયાર કરાશે.જો સમિતિને જણાશે કે આરોપીઓ કોઈ સામાન્ય ભૂલને કારણે નહીં,પરંતુ અધિકારીઓની ગંભીર લાપરવાહીના કારણે નિર્દોષ છૂટ્યા છે, તો જવાબદાર પોલીસ અધિકારી અને P.P.વિરુદ્ધ નિયમોનુસાર ખાતાકીય પગલાં ભરવા સંબંધિત શિસ્ત અધિકારીને સ્પષ્ટ ભલામણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: કોમનવેલ્થ ગેમ્સના યજમાન અમદાવાદમાં કરોડોના આંધણ પછી પણ સાયકલ ટ્રેક ગાયબ