ગુજરાત સરકારે રાજ્યના 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યાને એક મહિનો પૂર્ણ થયો હોવા છતાં હજુ સુધી રાહત કાર્યો શરૂ થયાં નથી, જેને લઈને ખેડૂતો અને પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કિસાન કોંગ્રેસે દ્વારકા ખાતે આક્ષેપો સાથે રાજ્ય સરકારને હૈયા સોંસરવા સવાલો પૂછ્યા છે અને તાત્કાલિક અસરથી રાહત કામગીરી શરૂ કરવા માંગ ઉઠાવી છે.
ખેડૂતો અને પશુપાલકોના સરકારને વેધક સવાલો
ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે દુષ્કાળની જાહેરાતનો અમલ હજુ સુધી કાગળ પર જ રહ્યો છે, જ્યારે જમીની સ્તરે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે. પશુપાલકોને દર સાત દિવસે ઘાસચારો આપવાનો હતો, પરંતુ હજુ સુધી એક વખત પણ ઘાસચારો મળ્યો નથી અને પશુઓ માટે ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે. ખેડૂતોને સહાય પેટે ₹17 હજાર આપવાના હતા તે ક્યારે મળશે? તેમજ બે મહિના સુધી પશુ દીઠ ₹80 આપવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ એક મહિનો પૂરો થવા આવ્યો છતાં સરકાર દ્વારા આ સહાય ચૂકવવામાં આવી નથી. 1લી નવેમ્બરથી રાહત કામો ચાલુ કરવાના હતા તે હજુ સુધી શરૂ કરાયા નથી.
