સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં નાના બાળકો માટે જીવલેણ ગણાતા ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા સાત દર્દીઓ પૈકી પાંચ દર્દીઓના મોત થયા છે. ત્યારે શનિવાર સુધીમાં એક બાળક સારવાર હેઠળ છે. જેને લઈને જિલ્લાનું આરોગ્ય તંત્ર ટેન્શનમાં આવી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાંદીપુરાના રોગને અટકાવવા માટે અટકાયતી પગલા લેવા માટે વિવિધ ટીમોને કામે લાગી ગઈ છે. દરમિયાન પોશીના તાલુકામાં એક દર્દીના થયેલા મોત બાદ 46 કાચા ઘરોમાં ફોગીંગની કામગીરી શરૂ કરાઇ છે. હવે અરવલ્લી જિલ્લાની એક ત્રણ વર્ષની બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
હાલમાં બે બાળકીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ
હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા સાત બાળકોને સારવાર માટે લવાયા હતા. બીજી તરફ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ફફડાટ વચ્ચે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયેલું છે. ગાંધીનગર સિવિલમાં હાલ બીજા જિલ્લામાંથી આવેલા ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બે બાળકો સારવાર હેઠળ છે. જેમાં એક બાળક સાબરકાંઠા જયારે એક બાળકને ખેડા બાજુથી સારવાર માટે ગાંધીનગર લવાયો છે. બંને બાળકોને શંકાસ્પદ ચાંદીપુરા હોવાથી તેઓના સેમ્પલ લઈને મોકલી અપાયા છે. અરવલ્લી જિલ્લાની એક ત્રણ વર્ષની બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના સેમ્પલ લઈને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. હાલમાં બે બાળકીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.
