અમદાવાદના સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 2 દિવસીય 'Hospica હેલ્થકેર એક્સપો'માં CM ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહીને ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ વિકાસની વાત રજૂ કરી હતી. CMએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'હેલ્થકેર ફોર ઓલ'ના અભિગમ સાથે સૌના આરોગ્યની ચિંતા કરી છે અને યોગ, કસરત, સ્વચ્છતા તથા રોગોની વહેલી ઓળખ જેવા હોલિસ્ટિક હેલ્થકેર પર વિશેષ ભાર મૂક્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં આરોગ્યલક્ષી આયોજનો મહત્વપૂર્ણ યોગદાન આપશે.

મેડિકલ કોલેજો 9થી વધીને 43 થઈ, 11,000થી વધુ આરોગ્ય સંસ્થાઓનું નિર્માણ

રાજ્યની આરોગ્ય સુવિધાઓના આંકડા રજૂ કરતા CMએ કહ્યું કે ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને 11,000થી વધુ આરોગ્ય સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમજ દર્દીઓની સુવિધા માટે કીમોથેરાપી અને ડાયાલિસિસ સેન્ટરો શરૂ કરાયા છે. આયુષ્માન કાર્ડના માધ્યમથી લાભાર્થીઓને રૂ. 10 લાખ સુધીની સારવારનો લાભ મળી રહ્યો છે. તબીબી શિક્ષણ ક્ષેત્રે પણ મોટી હરણફાળ ભરતા રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા 9થી વધીને 43 થઈ છે અને નર્સિંગ ક્ષેત્રે અંદાજે 59,900 બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી અને સસ્તી સારવાર પર સરકારના વિશેષ ધ્યાનને કારણે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો પણ વ્યાપ વધ્યો છે.

20 સંસ્થાઓ અને સમુદાય સેવા કરનાર અગ્રણીઓનું વિશેષ સન્માન

આ કાર્યક્રમ દરમિયાન CMના હસ્તે આરોગ્ય અને સમુદાય સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 20 સંસ્થાઓ તથા અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી તેમજ પૂર્વ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર સહિતના સેવાભાવી તબીબો અને અગ્રણીઓને સમુદાય સેવા એવોર્ડ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Dhanera પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ, રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કરનાર NDPSના આરોપીને પગમાં ગોળી મારી ઝડપ્યો