ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઉપલબ્ધ સંખ્યા સામે ખાલી પડેલી જગ્યાઓને કારણે અદાલતી કામગીરી પર ભારે વિપરીત અસર પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન (GHAA) ની એક મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. બેઠકમાં વકીલ મંડળના આગેવાનોએ હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઘટ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઘટ અંગે ચિંતા
GHAA ના પ્રમુખ અને સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ જણાવ્યું હતું કે, હાલ હાઇકોર્ટની દરેક કોર્ટમાં દરરોજ 500 થી 600 કેસો લિસ્ટ કરવામાં આવે છે. જજની સંખ્યા ઓછી હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં કેસોનું બોર્ડ પર આવવું અને તેના પર સુનાવણી થવી વ્યવહારિક રીતે શક્ય બનતી નથી.ન્યાયાધીશોની અછતના કારણે સૌથી વધુ માાઠી અસર દૂર-દૂરના જિલ્લાઓમાંથી ન્યાયની આશાએ આવતા અસીલો (અરજદારો) પર પડી રહી છે. કચ્છ, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્ર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી ભાડાં ખર્ચીને અમદાવાદ હાઇકોર્ટ આવતા નાગરિકોના કેસોનો વારો ન આવતાં તેમને તારીખ પે તારીખ મેળવીને પરત ફરવું પડે છે.
