નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરી પર તેના જ સગા મોટા ભાઈએ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું. આ પાશવી કૃત્ય બાદ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સામાજિક ડર અને ધમકીના કારણે સગીરાએ લાંબા સમય સુધી આ વાત છુપાવી રાખી હતી. પરંતુ જ્યારે ગર્ભ 8 મહિનાનો થઈ ગયો અને સગીરાના શરીરમાં ફેરફાર દેખાવા લાગ્યા, ત્યારે પરિવારને આ સમગ્ર પાપની જાણ થઈ હતી.

સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું 

પરિવારજનો સગીરાની આ સ્થિતિ જોઈને હેબતાઈ ગયા હતા. તેમણે તુરંત જ નરાધમ મોટા ભાઈ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં પોક્સો (POCSO) અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો, જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, સગા ભાઈના પાપને ગર્ભમાં ઉછેરવા મજબૂર બનેલી સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી. આથી, પરિવારે 8 મહિનાના આ ગર્ભનો નિકાલ (ગર્ભપાત) કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં તાકીદની દાદ માંગી હતી.

પરિવારે ગર્ભપાત કરવા હાઇકોર્ટમાં તાકીદની દાદ માગી

ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે પીડિતાની શારીરિક તપાસ કરવા માટે સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ મેડિકલ બોર્ડની રચના કરી હતી. તબીબોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ગર્ભ હવે 8 મહિનાનો એટલે કે પુખ્તતાની ખૂબ નજીક પહોંચી ગયો છે. આ તબક્કે જો ગર્ભપાત કરવા માટે ઓપરેશન કે દવાઓનો સહારો લેવામાં આવે, તો સગીરાના પોતાના જીવને બહુ મોટું જોખમ ઊભું થઈ શકે છે. તબીબી વિજ્ઞાન અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટની કડક જોગવાઈઓ તથા મેડિકલ બોર્ડના આ નકારાત્મક અભિપ્રાયને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પીડિતાની ગર્ભપાત કરવાની અરજીને કાયદાના દાયરામાં રહીને ફગાવી દીધી છે. હાઇકોર્ટે કાયદાકીય મર્યાદા અને સગીરાની જિંદગીની સુરક્ષાને સર્વોપરી ગણીને આ ગર્ભપાતને મંજૂરી આપી નથી. હવે આ સગીરાએ આ કપરી પરિસ્થિતિમાં પણ તે ગર્ભને સાચવીને પોતાના સગા મોટા ભાઈના જ બાળકને જન્મ આપવો પડશે. કોર્ટે તંત્રને પીડિતાની પ્રિલિમિનરી ડિલિવરી સુધી તમામ મફત તબીબી સારવાર આપવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: Jamnagar: ચાંદીપુરા વાયરસની આશંકાથી જી.જી. હોસ્પિટલમાં 3 માસૂમ બાળકો ગંભીર હાલતમાં દાખલ