અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે મોટી નારાજગી વ્યક્ત કરી છે. સ્ટ્રીટ વેન્ડરોને યોગ્ય રીતે જગ્યા ફાળવવાના મુદ્દે કોર્ટે AMCને ઠપકો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે ખોટા અને અયોગ્ય પ્લાનના કારણે સામાન્ય પ્રજા અને સ્ટ્રીટ વેન્ડરો હેરાન થઈ રહ્યા છે.


અરજદારે કરી હતી સ્ટ્રીટ વેન્ડરને જગ્યા ફાળવવાની રજુઆત

લાલ દરવાજા વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડરોને કાયદેસર રીતે જગ્યા ફાળવવા બાબતે અરજદારે કોર્ટમાં રજુઆત કરી હતી. અરજદારે જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ મુજબ વેન્ડરોને સુવિધા આપવી ફરજિયાત છે છતાં AMC દ્વારા યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે સ્ટ્રીટ વેન્ડર એક્ટની અમલવારી ન થતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સ્ટ્રીટ વેન્ડર એકટની અમલી ન થતાં કન્ટેમ્પ ઓફ કોર્ટ પર સુનાવણી

સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે AMCને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ફક્ત એફિડેવિટમાં જવાબ આપી દેવું પૂરતું નથી. કોર્ટે કહ્યું કે કાગળ પર જવાબ આપી સંતોષ માનવો યોગ્ય નથી, પરંતુ જમીન પર અસરકારક અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. સ્ટ્રીટ વેન્ડરોના હકોનું રક્ષણ કરવું અને યોગ્ય આયોજન સાથે જગ્યા ફાળવવી AMCની જવાબદારી છે. હાઈકોર્ટે AMCને સ્ટ્રીટ વેન્ડર એક્ટનો કડક અમલ કરવા અને પારદર્શક પ્રક્રિયા અપનાવવા સૂચના આપી છે. કોર્ટની આ ટકોર બાદ હવે AMC આગામી સુનાવણી પહેલા યોગ્ય પગલાં લે છે કે નહીં તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : Banaskantha News: પાલનપુરની 2 કોલેજોમાં ઠગાઈના કેસમાં ઝડપેલા ભરત બાટિયાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર


  • Follow us on: