ગુજરાત હાઉસિંગ બોર્ડની વાડજ સ્થિત ચંદ્રભાગા સોસાયટીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ બહાર આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. બોર્ડના સંબંધિત વિભાગ દ્વારા છેલ્લા છ મહિના દરમિયાન થયેલા તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરાઈ છે. બીજી તરફ લાંબા સમયથી બોગસ દસ્તાવેજ કૌભાંડ ચાલતું હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ ઘોર નિદ્રામાં ઝડપાયેલા હોય તેમ જણાય છે.હવે કૌભાંડ બહાર આવતાં જ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.

કૌભાંડ બહાર આવ્યા બાદ તપાસ શરૂ કરાઈ

બોર્ડના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલ રોજના 50થી વધુ દસ્તાવેજોની નોંધણી થતી હોવાથી પુરાવાઓની ચકાસણી કરવાનો સમય રહેતો નથી.જ્યારે ચંદ્રભાગાનો અસલ દસ્તાવેજ બોર્ડની કસ્ટડીમાં છે.વાડજની ચંદ્રભાગા સોસાયટીના મકાનમાં થયેલા દસ્તાવેજમાં કેટલા પુરાવા અસલ છે અને કેટલા બનાવટી, તેની બોર્ડ કે સબ-રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓને કોઈ ખબર જ નથી.હવે કૌભાંડ બહાર આવ્યા બાદ તપાસ શરૂ કરાઈ છે.તપાસમાં માત્ર છેલ્લા છ મહિનાના દસ્તાવેજોની ચકાસણી કરાઈ રહી છે.પરંતુ ખરેખર તો છેલ્લા પાંચ વર્ષના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.આથી બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ રસ દાખવી ખાસ ટીમ દ્વારા તપાસ કરાવવી જોઈએ તેવી માંગ ઉઠી છે. 

દલાલો સાથે કરાર આધારિત કર્મચારી વિનય ખેરને ધરોબો

બીજી તરફ બોર્ડના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,અગાઉ વિનય ખેરની ગેરરીતિ બહાર આવ્યા બાદ માત્ર તેનું ટેબલ બદલી નાખવામાં આવ્યું હતું.બોગસ દસ્તાવેજનું ગંભીર પ્રકરણ બહાર આવ્યા છતાં આ કરાર આધારિત કર્મચારીને છુટો કરવામાં આવ્યો નહોતો. બોર્ડના ફ્લેટ,સોસાયટી કે રો-હાઉસમાં ધરાવતા ભાડાકામના મંજૂરી મેળવવાની હોય કે બોગસ પુરાવા સાથે દસ્તાવેજ કરાવવાનો હોય,ત્યારે ચોક્કસ દલાલોનો સંપર્ક કરાતો હતો.આ દલાલો સાથે કરાર આધારિત કર્મચારી વિનય ખેરને ધરોબો હતો.આ કર્મચારી વધારાના બાંધકામની આકારણીથી લઈને બોગસ પુરાવા ઊભા કરવામાં મદદ કરી ઓછી આકારણી દર્શાવી ગેરકાયદે ફાયદો કરાવી આપતો હતો. 

બોગસ દસ્તાવેજ રદ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી

બદલામાં તે તગડી રકમ વસૂલતો હતો.આ રકમમાંથી કોને-કોને હિસ્સો મળતો હતો? તેમાં બોર્ડના ઇજનેર વિભાગના સ્ટાફની પણ સંડોવણી હોવાનું મનાય છે, જેથી તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે.બોર્ડની કચેરીમાં બેસીને બોગસ દસ્તાવેજ અને બનાવટી પુરાવા ઊભા કરી લાખો રૂપિયાની કમાણી કરનાર કરાર આધારિત કર્મચારી ગાયબ થઈ ગયો છે. ત્યારે હવે બોગસ દસ્તાવેજ કરનાર વિનય ખેર સામે ચાલીને હાજર થાય તેની રાહ જોવાઈ રહી છે.સબ-રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓએ બોગસ દસ્તાવેજ રદ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ આ સિવાય અન્ય કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

અધિકારીઓ પણ સામે ચાલીને કોઈ પહેલ કરતા નથી

સબ-રજિસ્ટ્રાર કચેરી દ્વારા એવું સૂર બોર્ડને કોઈ સત્તાવાર જાણ કરાઈ ન હોવાનું બોર્ડના જ અધિકારીઓ કહી રહ્યા છે.બીજી તરફ બોર્ડના અધિકારીઓ પણ સામે ચાલીને કોઈ પહેલ કરતા નથી. બંન્ને વિભાગો પોલીસ ફરિયાદ કરવામાં એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જેના લીધે વિનય ખેર શાંતિથી સમય પસાર કરી રહ્યો છે. સમગ્ર મામલો શાંત પડે ત્યારે બોર્ડ સમક્ષ હાજર થઈને પોતાના મળતિયા અધિકારીઓ મારફતે પતાવટ કરી લેવાની ફિરાકમાં તે હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ Black Seaમાં પસાર થઈ રહેલા કાર્ગો શીપ પર રશિયાનો ડ્રોન એટેક, કેપ્ટનનું મોત, એક ભારતીય ઈજાગ્રસ્ત