મોંઘવારી આજે દેશ અને ગુજરાતના અનેક પરિવારોને અસર કરતો સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. વર્ષ 2014માં ભાજપે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું. લોકોને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવાનાં સપનાં બતાવી મત મેળવ્યા હતા. આજે 12 વર્ષ વીતી ગયાં, પરંતુ મોંઘવારી ઘટવાને બદલે સતત વધી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

તાયફાઓ તથા રાજકીય કાર્યક્રમો પાછળ નાણાં ખર્ચાય છે

એક તરફ સરકાર વિવિધ કવાયતો દ્વારા જનતાના ખિસ્સા ખાલી કરી પોતાની તિજોરી ભરે છે અને બીજી તરફ ઉત્સવો, તાયફાઓ તથા રાજકીય કાર્યક્રમો પાછળ નાણાં ખર્ચી રહી હોવાનો આક્ષેપ છે. ગેસ સિલિન્ડર, ખાદ્યતેલ, દૂધ, છાશ, ખાદ્યપદાર્થો, પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને પીએનજી સહિતની જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધતાં સામાન્ય પરિવાર માટે ઘરનું બજેટ ચલાવવું મુશ્કેલ બન્યું છે.

ગુજરાતમાં મોંઘવારી સામે વિરોધની તૈયારી

આ પ્રહારો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યા છે સાથે જ મોંઘવારીથી પીડાતા સામાન્ય નાગરિકો, મધ્યમ વર્ગ અને ગૃહિણીઓના આક્રોશને વાચા આપવા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જનઆંદોલન કરવાની અને રસ્તા પર ઉતરી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે

ખાદ્યતેલના ભાવ અને ચૂંટણી ફંડના આક્ષેપો

આરોપ મુજબ કોંગ્રેસની યુપીએ સરકારના સમયમાં ખાદ્યતેલના ભાવ આશરે રૂ.1,100થી રૂ.1,200 હતા અને ગેસ સિલિન્ડરના ભાવ રૂ.350થી રૂ.400 હતા ત્યારે ભાજપના નેતાઓ સિલિન્ડર સાથે મોંઘવારી સામે દેખાવો કરતા હતા. આજે ગુજરાતમાં ખાદ્યતેલના ડબ્બાનો ભાવ રૂ.3,190 સુધી પહોંચી ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેલ મિલરો સાથેની મિલીભગત અને કરોડો રૂપિયાના ચૂંટણી ફંડના આક્ષેપો વચ્ચે ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારા અંગે સવાલો ઊભા કરે છે તેવો આરોપ તેમણે લગાવ્યો હતો

વિવિધ ક્ષેત્રોમાં મોંઘવારીના આંકડા

રજૂ કરાયેલા આંકડા મુજબ, પ્રાથમિક ચીજવસ્તુઓમાં મોંઘવારીનો દર સપ્ટેમ્બરમાં 8.67 ટકા હતો, જે ઓક્ટોબરમાં વધીને 9.24 ટકા થયો છે. ઈંધણ અને વીજળીનો દર 25.85 ટકાથી વધીને 32.84 ટકા થયો છે. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસમાં 57.32 ટકાથી વધીને 70.8 ટકા, જ્યારે વીજદરમાં 0.43 ટકાથી વધીને 8.06 ટકાનો વધારો નોંધાયો છે.

માસિક મોંઘવારી વધી

માસિક મોંઘવારીના આંકડા મુજબ જાન્યુઆરીમાં 1.19 ટકા, ફેબ્રુઆરીમાં 2.18 ટકા, માર્ચમાં 3.98 ટકા, એપ્રિલમાં 8.36 ટકા, મેમાં 9.88 ટકા, જૂનમાં 9.97 ટકા, જુલાઈમાં 9.78 ટકા, ઓગસ્ટમાં 9.92 ટકા, સપ્ટેમ્બરમાં 11.39 ટકા અને ઓક્ટોબરમાં 12.29 ટકા નોંધાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં પણ વધારો

પેટ્રોલ, ડીઝલ અને ગેસ ઉપરાંત સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ.10નો સપ્તાહીય વધારો થયો હોવાનો ઉલ્લેખ છે. આ ભાવવધારાની સીધી અસર વાહનવ્યવહાર અને રોજિંદા જીવનના ખર્ચ પર પડી રહી છે. મોંઘવારી સતત વધતી હોવા છતાં સામાન્ય જનતાને રાહત આપવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સરકાર પાસે જવાબદારી સ્વીકારી રાહત આપવાની માગ

એક તરફ સરકાર ટેક્સ દ્વારા જનતાના ખિસ્સામાંથી નાણાં વસૂલે છે અને બીજી તરફ ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોંઘવારીના સતત વધતા આંકડા વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવા અને ભાવવધારા પાછળનાં કારણો અંગે જવાબદારી સ્વીકારવાની માગ કરવામાં આવી છે. 


આ પણ વાંચો :  Delhi Policeનું સુપ્રીમમાં સોગંદનામું, પત્રકારોને કામ કરતા રોક્યા નથી, રીલ બનાવનારાઓને કાયદામાંથી મુક્તિ નહીં