દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની રજાઓ પૂર્ણ થયા બાદ આજે લાભ પાંચમના અત્યંત શુભ પર્વે સમગ્ર ગુજરાતના બજારો અને માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર ધમધમતા થયા છે. વેપારી આલમ માટે નવા વર્ષના કામકાજની શરૂઆત કરવા માટે લાભ પાંચમનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા-અર્ચના અને ચોપડા પૂજન કરીને પોતાના ધંધા-રોજગારના નવા શ્રીગણેશ કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તહેવારની રજાઓને કારણે સુમસામ ભાસતા બજારોમાં આજે ફરી ઉમંગ અને રોનક જોવા મળી રહી છે, અને નવા વર્ષમાં તેજીની નવી આશા સાથે વેપારીઓ તેમજ ખેડૂતો કામકાજ પર પરત ફર્યા છે.
રાજ્યના મુખ્ય શહેરોના બજારોમાં જામી રોનક
મેગાસિટી અમદાવાદના સૌથી જૂના અને વ્યસ્ત ગણાતા રતનપોળ, લાલ દરવાજા સહિતના મુખ્ય બજારોમાં આજે વહેલી સવારથી જ વેપારીઓએ દુકાનો ખોલીને વિધિવત પૂજા સાથે વેપાર શરૂ કર્યો છે. બજારોમાં ફરી એકવાર રોનક અને ઉમંગનો માહોલ છવાયો છે. સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિદ્ધ મંગળબજાર સહિતના વિસ્તારોમાં દિવાળીની રજાઓ બાદ દુકાનો ખુલવાની શરૂઆત થઈ ગઈ છે. દુકાનદારો ધંધા-રોજગાર પર પરત ફરતા સુમસામ બજારોમાં ફરી ધમધમાટ અને ગ્રાહકોની ભીડ વધવાની વેપારીઓને પૂરી આશા છે.
