દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની રજાઓ દરમિયાન મુસાફરોની ભારે અવરજવર રાજકોટ એસટી (GSRTC) ડિવિઝન માટે અત્યંત ફળદાયી સાબિત થઈ છે. તહેવારોમાં વતન જતા અને ફરવા નીકળતા મુસાફરોના ભારે ધસારાને કારણે રાજકોટ એસટી ડિવિઝનની તિજોરી છલકાઈ ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ, દિવાળી વેકેશનના માત્ર પાંચ દિવસના સમયગાળામાં જ રાજકોટ એસટી ડિવિઝનને કુલ 3.43 કરોડ રૂપિયાની તોતિંગ કમાણી થઈ છે. આ પાંચ દિવસ દરમિયાન બસોની 8,653 જેટલી ટ્રીપ સંપૂર્ણપણે હાઉસફૂલ દોડી હતી, જે દર્શાવે છે કે મુસાફરોએ સુરક્ષિત અને સસ્તી મુસાફરી માટે એસટી બસો પર પસંદગી ઉતારી છે.
રાજકોટ એસટી ડિવિઝનની રેકોર્ડબ્રેક આવક
દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી, જેના પરિણામે પાંચ દિવસમાં 3.43 કરોડ રૂપિયાની જંગી આવક નોંધાઈ છે.રાજકોટ ડિવિઝન હેઠળના વિવિધ ડેપો પરથી ઉપડતી લોકલ, એક્સપ્રેસ અને સ્લીપર કોચ સહિતની કુલ 8,653 ટ્રીપ હાઉસફૂલ થતાં એસટી તંત્રને મોટો આર્થિક ફાયદો થયો છે.
