વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે રાત્રે અમદાવાદ આગમન અને ગાંધીનગર ખાતે મંત્રીમંડળ સાથેની મુલાકાત તથા રાજભવનમાં રાત્રિ રોકાણ બાદ, આજે PM મોદી અમદાવાદ નજીક બોપલ-ગોધાવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંકુલ 'સંસ્કારધામ' (Sanskardham) ની મુલાકાત લેશે. અહીં વડાપ્રધાન સંસ્કારધામ ટ્રસ્ટના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે, જેમાં સંસ્થાની વર્તમાન સ્થિતિ અને આગામી સમયના શૈક્ષણિક આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

સંઘ પ્રચારક વકીલ સાહેબની યાદમાં નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું આ ટ્રસ્ટ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વરિષ્ઠ પ્રચારક સ્વ. લક્ષ્મણરાવ ઇનામદાર એટલે કે 'વકીલ સાહેબ' ની યાદમાં ખુદ નરેન્દ્ર મોદી દ્વારા શૈક્ષણિક કાર્યો અને રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્ય સાથે આ સંસ્કારધામ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી.અમદાવાદના બોપલ-ગોધાવી વિસ્તારમાં આવેલું સંસ્કારધામ આજે શિક્ષણ, રમતગમત અને સંસ્કાર સિંચનનું એક અગ્રણી કેન્દ્ર બની ચૂક્યું છે, જ્યાં આધુનિક સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં આવે છે.

વડાપ્રધાન શૈક્ષણિક કામગીરીની સમીક્ષા કરશે

આજની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રસ્ટની હાલની શૈક્ષણિક કામગીરીની સમીક્ષા કરશે તેમજ આગામી સમયમાં સંસ્કારધામ ખાતે હાથ ધરવામાં આવનારા નવા પ્રોજેક્ટ્સ અને વિસ્તરણના આયોજનો અંગે માર્ગદર્શન આપશે.PM મોદીની આ મુલાકાતને પગલે ગાંધીનગરથી લઈને અમદાવાદના બોપલ-ગોધાવી સુધીના સમગ્ર રૂટ પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat: દિવાળીની ઉજવણીમાં ફટાકડા બન્યા જોખમી; 10 દિવસમાં 50 લોકો દાઝ્યા