આજે ગુજરાતની ગાંધીનગર મનપા સહિત થરા અને ઓખા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. તેની સાથે સાથે તાલુકા, જિલ્લા અને નગર પાલિકાની વિવિધ કારણોસર ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ પણ જાહેર થયાં છે. જેમાં ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગર પાલિકા, દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક સહિત રાજકોટની પડધરી, ખેરાલુની સતલાસણા અને બનાસકાંઠામાં હારિજ બેઠકનું પણ પરિણામ જાહેર થયું છે.
નગર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત
આજે જાહેર થયેલા પેટા ચૂંટણીના પરિણામમાં ખેરાલુ પાલિકાની વોર્ડ નંબર એકની સામાન્ય બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં ભાજપના ઉમેદવાર શુભમ પટેલનો વિજય થયો હતો. કોંગ્રેસ પાસે રહેલી આ બેઠક પર શુભમ પટેલને 1005 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસને 805 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 747 મત મળ્યા હતાં. જેમાં ભાજપનો 200 મતથી વિજય થયો હતો. જીતની ખુશીમાં ભાજપે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.છોટા ઉદેપુર નગર પાલિકામાં પૂર્વ પ્રમુખ મંજુલાબેનનો જાતિનો દાખલો ખોટો સાબિત થયો હતો. જેને લઈને આ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નંબર ચારમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ત્રણ મતદાન મથકો પર વોટિંગ થયું હતું. આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપના ઉમેદવાર રજનીબેન જયદીપભાઇ રાઠવાની જીત થઈ હતી. તેમને 752 મત મળ્યા હતાં. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના બાયડમાં નગર પાલિકાની વોર્ડ નંબર 3માં એક સભ્યના રાજીનામા બાદ ચૂંટણી યોજાઈ હતી. જેમાં આજે ભાજપના મહેશ પરમારની જીત થઈ છે.
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર AAPનો વિજય
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરૂ કંડોરિયાએ 3651 મતની જંગી સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો છે.સાતેય રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં જાહેર થયેલા પરિણામ મુજબ,ભાજપના સ્વ.ડો.પી.વી.કંડોરિયાના અવસાનથી ખાલી પડેલી આ બેઠક પર આપનો કબજો થયો છે.જીત બાદ વીરૂ કંડોરિયાએ સ્વ.ડો.પી.વી.કંડોરિયાનું સ્મરણ કરીને આ વિજય ખેડૂતો,ગરીબો અને વંચિત વર્ગના લોકોને સમર્પિત કર્યો હતો.આ સાથે જ તેમણે ભાડથર બેઠક હેઠળ આવતા તમામ ૧૪ ગામોના મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે આ જીત જનતા અને ખેડૂતોની જીત છે અને 14 ગામોના લોકો સાથે ખભેખભો મિલાવીને જિલ્લા પંચાયતના માધ્યમથી વિકાસ તેમજ જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પડધરીમાં કોંગ્રેસની જીત, સતલાસણાની બેઠક ખાલી રહી
તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો રાજકોટની પડધરી તાલુકાની થોરિયાળી બિન અનામત બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણ શિગાળાનો 227 મતે વિજય થયો હતો. વર્ષો જૂનો ગઢ બચાવવામાં કોંગ્રેસ સફળ થઈ હતી. આ બેઠક પર ભાજપના મોટા આગેવાનોએ પણ પ્રચાર કર્યો હતો. સતલાસણા તાલુકા પંચાયતની પેટાચૂંટણી સંદર્ભે બેઠક ખાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.આ બેઠક અનુસૂચિત જનજાતિ (ST) અનામત હોવાને કારણે નિયત સમયમર્યાદામાં કોઈ યોગ્ય એસ.ટી.ઉમેદવાર ન મળી રહેવાને કારણે ચૂંટણી યોજી શકાઈ ન હતી.ઉમેદવારોના અભાવ અને પૂરતા ફોર્મ ન ભરાવાને કારણે આ બેઠક પર ચૂંટણી પ્રક્રિયા આગળ વધી શકી ન હતી જેના લીધે હાલ આ બેઠક ખાલી રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: મનપાની ચૂંટણીમાં ભાજપનો 38 બેઠકો પર વિજય, કોંગ્રેસને પાંચ બેઠકો સાથે વિપક્ષનું પદ મળશે