ગુજરાતમાં સરકારી આરોગ્ય વ્યવસ્થામાં દવાઓની ખરીદી અને તેના વપરાશ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 2 હજાર કરોડ રૂપિયાથી વધુની દવાઓની ખરીદી કરવામાં આવી છે, તો બીજી તરફ જીએમઈઆરએસ સંલગ્ન હોસ્પિટલોમાં દર વર્ષે 100થી વધુ જરૂરી દવાઓનો જથ્થો વપરાયા વિના પડી રહેતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં બે વર્ષ દરમિયાન 280 દવાઓના નમૂના ગુણવત્તાની તપાસમાં નિષ્ફળ રહ્યા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

ત્રણ વર્ષમાં કરોડોની દવાઓની ખરીદી

ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં દવાઓની મોટી ખરીદી કરવામાં આવી છે. વર્ષ 2023-24માં આશરે 536 કરોડ, વર્ષ 2024-25માં 736 કરોડ અને વર્ષ 2025-26માં 727 કરોડ રૂપિયાની દવાઓ ખરીદવામાં આવી હોવાનું અહેવાલમાં દર્શાવાયું છે. આમ, ત્રણ વર્ષમાં કુલ ખરીદીનો આંકડો 2 હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચ્યો છે.

જરૂરી દવાઓનો જથ્થો વપરાયા વિના પડ્યો રહે છે

જીએમઈઆરએસ સંલગ્ન હોસ્પિટલોમાં છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે 100થી વધુ આવશ્યક દવાઓનો જથ્થો વપરાયા વિના પડી રહેતો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2023-24માં 133, વર્ષ 2024-25માં 141 અને વર્ષ 2025-26માં 104 આવશ્યક દવાઓનો જથ્થો વપરાયા વિના રહ્યો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ઓર્થોપેડિક ડોક્ટરની જગ્યા ખાલી હોવાથી તેનો ઉપયોગ થઈ શક્યો નહોતો.

બે વર્ષમાં 290 દવાઓના નમૂના ફેઇલ

રાજ્યમાં બે વર્ષના સમયગાળામાં 290 દવાઓના નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ દવાઓમાંથી 163 અન્ય રાજ્યોના ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવી હતી, જ્યારે 127 દવાઓ ગુજરાતના ઉત્પાદકોની હોવાનું દર્શાવાયું છે. આ મામલે સંબંધિત ઉત્પાદકો સામે કાર્યવાહી માટે પગલાં લેવામાં આવ્યા છે.

ઉત્પાદકો સામે નોટિસ અને કાયદાકીય કાર્યવાહી

ગુજરાતના ઉત્પાદકોની 127 દવાઓના નમૂના ફેઇલ થતાં તમામ પેઢીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. 98 ઉત્પાદકોને નોટિસ આપવામાં આવી, 13 ઉત્પાદકોને નોટિસ બાદ પરવાના સ્થગિત કરાયા અને એક કિસ્સામાં બનાવટ પરવાનગી રદ કરી પરવાનો સ્થગિત કરાયો હતો. અન્ય દવા ઉત્પાદકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ડિસેમ્બર 2023 સુધીની સ્થિતીમાં રાજ્યમાં 290 દવાઓના સેમ્પલ ફેઇલ થયા છે

આરોગ્ય વિભાગમાં અધિકારીઓની ઘટ

બીજી તરફ મળતી માહિતી મુજબ રાજ્યના આરોગ્ય વિભાગમાં નિવૃત્તિ બાદ પણ 21 અધિકારી કર્મચારીઓને ફરીથી નિયુક્ત અપાઇ છે જેમાં 3 અધિકારીઓની ઉમંર 62 વર્ષ કરતા વધુ હતી. દર વર્ષે સરેરાશ 600થી 700 કર્મચારી નિવૃત્ત થઇ રહ્યા છે. 


આ પણ વાંચો :   Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન