ગુજરાતમાં ચોમાસાના પ્રારંભિક રાઉન્ડ બાદ હવે વરસાદે લાંબો વિરામ લીધો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના સત્તાવાર બુલેટિન અનુસાર, આગામી એક અઠવાડિયા (૬થી ૭ દિવસ) સુધી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં ચોમાસું નબળું રહેશે અને વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં જ હળવો વરસાદ પડી શકે છે.

ગરમી અને ઉકળાટ આપશે ત્રાસ

વરસાદ ખેંચાવાને કારણે રાજ્યમાં ફરી એકવાર ગરમીનું જોર વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ દિવસો દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેશે, પરંતુ પવનની ગતિ ઓછી હોવાથી અને હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં અસહ્ય ઉકળાટ અને બફારો વધશે. જેના કારણે નાગરિકોને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે.

ઉત્તરપૂર્વ ભારતમાં અતિ ભારે વરસાદની આશંકા

એક તરફ ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ચોમાસું સુસ્ત પડ્યું છે, ત્યારે બીજી તરફ પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. IMD દ્વારા બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મેઘાલયમાં આગામી 3થી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ કરી દેવાયું છે.

આ પણ વાંચો: Surat: પિતા-પુત્ર મળીને કરતા બાઈક ચોરી, પુણા પોલીસે 28 વાહનો સાથે બંનેને દબોચ્યા