સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ પુણા પોલીસની ટીમ પોતાના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરી રહી હતી. આ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ મોપેડ ચાલક મળી આવ્યો હતો. પોલીસે અટકાવીને વાહનના કાગળો માંગતા ચાલક ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. પુણા પોલીસે પોકેટ કોપ અને કમ્પ્યુટર સિસ્ટમની મદદથી એન્જિન તેમજ ચેસિસ નંબર વેરિફાય કરતાં આ મોપેડ ચોરીની હોવાનું સત્તાવાર રીતે સાબિત થયું હતું. આ નાની કડીના આધારે પોલીસે જ્યારે પકડાયેલા શખ્સની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી, ત્યારે વાહન ચોરીનું એક આખું મોટું નેટવર્ક સામે આવ્યું હતું.
28 વાહનો જપ્ત, પોલીસ પણ ચોંકી ઉઠી
પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ બાઈક ચોરીના ગુનાને કોઈ મોટી પ્રોફેશનલ ગેંગ નહીં, પરંતુ સગા પિતા અને તેમનો સગીર વયનો દીકરો મળીને અંજામ આપતા હતા. પિતા પોતાના જ સગીર પુત્રને સાથે રાખીને સુરતના ભીડભાડ વાળા વિસ્તારો, માર્કેટ અને રહેણાંક સોસાયટીઓની બહાર પાર્ક કરેલા વાહનોની રેકી કરતો હતો. તક મળતા જ આ જોડી માસ્ટર કી (નકલી ચાવી) વડે અથવા લોક તોડીને બાઈક કે મોપેડ ચોરીને રફુચક્કર થઈ જતી હતી.
