શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય તે હેતુથી ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું, શાળા શિક્ષણના માર્ગદર્શન હેઠળ ગુજરાતે 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આગામી સમયમાં રાજ્યની ધો.1 થી 8 તમામ શાળાઓમાં આ માળખાનો અમલ કરવામાં આવશે.આ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણવિદ ડો.જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષણ નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી હતી.આ સમિતિએ પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપ્યો હતો.તેને આધારે હવે રાજ્યમાં 360 ડિગ્રી મૂલ્યાંકનનો ચાલુ વર્ષથી અમલ થશે.
સ્વજાગૃતિ અને સતત સુધારા તરફનો અભિગમ વિકસશે
આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક્સ આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ છે.હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક ક્ષેત્રોમાં પણ સર્વાંગી વિકાસનું મુલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે, જે માત્ર પરિણામ નહીં પણ વિદ્યાર્થીની પ્રગતિનું દર્પણ બનશે. શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.નવી મૂલ્યાંકન પદ્ધતિનો મુખ્ય હેતુ મૂલ્યાંકન શીખવાના એક સાધન તરીકે પ્રયોજાય તેવો છે.
360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલ્પના
આ નવા માળખામાં શિક્ષકોના ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવા અને વિદ્યાર્થીઓ પર વારંવારની લેખિત કસોટીઓનો બોજ હળવો કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એકમ કસોટીનું સ્વરૂપ બદલીને તેને વધુ સરળ, ઉપયોગી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવાઈ છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં 360 ડિગ્રી મૂલ્યાંકનનો અર્થ માત્ર શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન કરવાનો નથી, આનો અર્થ ઘણો વ્યાપક છે.આમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવશે. શિક્ષક વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની રીત અને વર્તનનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે.
અલગ અલગ પ્રકારે મૂલ્યાંકન
વિદ્યાર્થીઓ એકબીજાના પ્રદર્શન,સહકારયુક્ત વર્તન અને ટીમ વર્કમાં ભાગીદારીનું મૂલ્યાંકન કરે છે. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના અને પરસ્પર સમજણ વધશે.ઘરે વિદ્યાર્થીના વાલી ભણાવવાના વાતાવરણ, રસ, શોખ અને વર્તન વિશે પ્રતિસાદ આપશે, જે શાળાને વિદ્યાર્થીના સર્વગ્રાહી વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે.વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના પ્રદર્શન, શક્તિઓ અને સુધારા માટેનાં ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થીના સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસ માટે આ ખૂબ જ અગત્યનું છે.
હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડથી સર્જનાત્મકતા
આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે.ગુજરાતમાં આ માળખું અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ, શિક્ષક સંઘો, તજજ્ઞો અને સામાજિક સંસ્થાઓ સાથે પરામર્શ કરીને વર્તમાન પડકારોને નિવારવાનો પ્રયાસ કરાયો છે. NCERT અને PARAKH દ્વારા તૈયાર કરાયેલ સર્વાંગી વિકાસ પત્રકને આધારે સમિતિએ ગુજરાત રાજ્યની આવશ્યકતા અનુસારનું તૈયાર કરેલ પત્રક ગુજરાતની શાળાઓમાં અપનાવવામાં આવશે, જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય સંવાદને પ્રોત્સાહન આપશે.