ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવા અને વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની 4700 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં LBD (Learning by Doing) એજ્યુકેશનલ લેબની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ યુગ સાથે સુસંગત શિક્ષણ પૂરું પાડવાનો છે.
સમગ્ર શિક્ષણ દ્વારા તમામ જિલ્લાઓને સૂચના
LBD લેબના માધ્યમથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયા જ્ઞાન સુધી સીમિત ન રહેતા, પ્રાયોગિક અને ડિજિટલ લર્નિંગ દ્વારા વિષયોને વધુ સરળતાથી સમજી શકશે. આ લેબમાં આધુનિક ઉપકરણો અને ડિજિટલ લર્નિંગ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ થાય.સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. હાલમાં જે તે શાળાઓમાં લેબની સ્થાપના અને તેની જાળવણીની પ્રાથમિક કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.













