અમદાવાદમાં આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસે પુરતી તૈયારી કરી લીધી છે.ખાસ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે ટેકનોલોજીનો પણ ભરપુર ઉપયોગ કરવામાં આવશે.જેથી સરળતાથી રથયાત્રાના દરેક પાસા પર નજર રાખી શકાય.ઉપરાંત ભક્તોને કોઈ તકલીફ ન પડે માટે પણ અલગથી આયોજન કરવામાં આવ્યુ છે. બીજી તરફ પોલીસે આજે જગન્નાથ મંદિરથી રાયપુર સુધી ફૂટ પેટ્રોલિંગ યોજ્યું હતું.
ડ્રોન સર્વેલન્સ અને ધાબા ચેકિંગ જેવી કામગીરી
જેસીપી નીરજકુમાર બડગુજરની આગેવાનીમાં જગન્નાથ મંદિરથી લઈને રાયપુર સુધી વિશાળ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.જેમાં ડીસીપી, એસીપી સહિત 120થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા.રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવા માટે પોલીસ દ્વારા કડક ચકાસણી કરવામાં આવી રહી છે.તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને રૂટ પરના ભયજનક મકાનોની તપાસ કરવામાં આવશે.ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડ્રોન સર્વેલન્સ અને ધાબા ચેકિંગ જેવી કામગીરી પણ સતત ચાલુ રહેશે, જેથી કોઈ પણ અપ્રિય ઘટનાને અગાઉથી અટકાવી શકાય.
શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પણ પોલીસે ટેકનોલોજીનો સહારો લીધો
ભગવાન જગન્નાથની રથયાત્રા ને લઈને પોલીસ વિભાગ એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ ને અગવડતા ન પડે અને સુરક્ષાને લઈને કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે માટે ટેકનોલોજી નો પણ સવિશેષ ઉપયોગ કરવામાં આવશે. જેમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર 2200થી વધુ કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. જેથી સમગ્ર રૂટ પર બાજ નજર રાખી શકાય.ઉપરાંત ગત વર્ષે બેકાબુ બનેલા ગજરાજો પર પણ જીપીએસની મદદથી ટ્રેક કરી નજર રખાશે. જેથી તેમની તમામ મુવમેન્ટ પર કંટ્રોલરૂમથી સીધી નજર રાખી શકાય. રથયાત્રામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પણ પોલીસે ટેકનોલોજીનો સહારો લીધો છે.
થ્રીડી મેપિંગ અને સુરક્ષા માટે 50 જેટલા ડ્રોનનો ઉપયોગ
ભક્તોમાં દોડાદોડી ન થાય અને કોઈ અઘટિત બનાવો ન બને તે માટે થ્રીડી મેપિંગ દ્વારા કયા વિસ્તારમાં વધુ દર્શનાર્થીઓ છે અને કઈ જગ્યાએ રૂટ ખાલી છે. તે તમામ વસ્તુ પર નજર રાખવામાં આવશે.ઉપરાંત થ્રીડી મેપિંગ અને સુરક્ષા માટે 50 જેટલા ડ્રોનનો પણ ઉપયોગ પોલીસ કરશે. જેથી કરીને રથયાત્રાના રૂટ ની આસપાસના તમામ વિસ્તારો પર પણ પોલીસ નજર રાખી શકશે.રથયાત્રાના સમગ્ર રૂટ પર ઉપયોગમાં લેવાતી ટેક્નલોજી પર અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલરૂમની સાથે મોબાઈલ કંટ્રોલ વાન પણ બનાવવામાં આવી છે.જેની મદદથી રથયાત્રાના રૂટના નજીકમાં રહીને જ તમામ ગતિ વિધિ પર નજર રાખી શકાય અને કોઈ પણ અગટીત બનાવોને રોકી શકાય.
આ પણ વાંચોઃ Ahmedabad News: મેરેજ સર્ટિફિકેટ ભલે હોય પણ સાત ફેરાની વિધિ વિના હિન્દુ લગ્ન અમાન્ય : ગુજરાત હાઈકોર્ટ