ગુજરાત હાઈકોર્ટે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, જો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જરૂરી વિધિ કરાઈ ના હોય તો માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિક્ટના આધારે લગ્નને માન્યતા મળી શકતી નથી. હાઈકોર્ટમાં જસ્ટીસ ઈલેશ વોરા અને જસ્ટીસ આર.ટી. વછરાણીની ખંડપીઠ હેઠળ યોજાયેલી સુનાવણીમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, મેરેજ સર્ટિફિકેટ એ માત્ર પહેલાથી જ વિધિવત રીતે સંપન્ન થઈ ચૂકેલી લગ્નવિધિનો પુરાવો છે. જે લગ્નમાં હિન્દુ પરંપરા પ્રમાણે યોજાતી વિધિઓ કરવામાં જ નથી આવી. આવા કિસ્સામાં માત્ર મેરેજ સર્ટિફિકેટ લગ્નને કાયદેસર બનાવી શકતું નથી.
લગ્નની વિધિ વિના કાયદાની નજરમાં કોઈપણ હિન્દુ લગ્ન માન્ય નથી
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન એવું પણ નોંધ્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટની કલમ-7 પ્રમાણે હિન્દુ લગ્ન બંને પક્ષોના રીત રિવાજો અને પરંપરાઓ મુજબ સંપન્ન થવા જોઈએ. જો આ બંને પક્ષોની પરંપરામાં સાત ફેરા એટલે કે સપ્તપદીનો સમાવેશ કરાયો હોય તો તે લગ્ન વર અને કન્યાના સાતમાં ડગલાં પછી જ પૂર્ણ અને કાયદેસર રીતે માન્ય ગણાય છે. કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટની કલમ-7માં સંપન્ન શબ્દનો અર્થ લગ્ન યોગ્ય અને જરૂરી વિધિઓ સાથે થયેલા હોવા જોઈએ. લગ્નની વિધિ વિના કાયદાની નજરમાં કોઈપણ હિન્દુ લગ્ન માન્ય ગણાતા નથી.
એક મહિલાએ પોતાને અરજદાર વ્યક્તિની કાયદેસરની પત્ની ગણાવી
આ સમગ્ર કેસ યુકેમાં રહેતા એક વ્યક્તિની અરજી સાથે જોડાયેલો છે. ફેમિલી કોર્ટે આ કેસની સુનાવણીમાં તે વ્યક્તિ અને મહિલા વચ્ચેના કથિત લગ્નને રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજી કરનાર વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે, તેના માતા પિતા પાસે એક મહિલા મેરેજ સર્ટિફિકેટ લઈને પહોંચી હતી અને પોતાને અરજદાર વ્યક્તિની કાયદેસરની પત્ની ગણાવી હતી ત્યારે તેને સમગ્ર મામલે જાણ થઈ હતી. અરજદારે કોર્ટની અરજીમાં એવું પણ જણાવ્યું હતું કે, તેણે મહિલા સાથે ક્યારેય લગ્ન કર્યા જ નથી. અમે બંને ક્યારેય સાથે રહ્યા નથી કે તેમના લગ્નની કોઈ વિધિ યોજાઈ જ નથી. અરજદારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તે આ મહિલાના પિતાની કંપનીમાં કામ કરતો હતો અને તે દરમિયાન પ્રમોશનની લાલચ આપી અથવા નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપીને લગ્નના કાગળો પર તેના હસ્તાક્ષર લઈને આ ઠગાઈ આચરવામાં આવી છે.
અરજદાર વ્યક્તિએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો
કોર્ટની સુનાવણીમાં મહિલાએ પણ લેખિતમાં સ્વીકાર્યું હતું કે, લગ્નની કોઈ વિધિ કે સમારંભ થયો નહોતો. બંને વચ્ચે કાયદેસરની લગ્નની વિધિ થઈ નહોતી અને તેમની વચ્ચે કોઈ સંબંધ પણ નહોતા. આ મહિલાએ લેખિતમાં સ્વીકાર્યું હોવા છતાં ફેમીલી કોર્ટે લગ્નને અમાન્ય જાહેર કરવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટનું એવું માનવું હતું કે, મેરેજ સર્ટિફિકેટ હોવાથી લગ્નની કાયદેસરતાનું અનુમાન લગાવી શકાય છે અને આ બાબતે સંપૂર્ણ સુનાવણી જરૂરી છે. ત્યારબાદ અરજદાર વ્યક્તિએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઈકોર્ટમાં જ્યારે આ કેસની સુનાવણી હાથ ધરાઈ ત્યારે કોર્ટે એવું કહ્યું હતું કે, જ્યારે મહિલાએ પોતે સ્વીકાર્યું છે કે હિન્દુ લગ્ન માટેની આવશ્યક વિધિઓ ક્યારેય કરવામાં આવી જ નથી તો બંને પક્ષોને લાંબી સુનાવણી માટે મજબૂર કરવાનું કોઈ કારણ રહેતું નથી.
લગ્નનું પ્રમાણપત્ર કોઈ લગ્નને કાયદેસર હિન્દુ લગ્ન બનાવી શકતું નથી
કોર્ટે વધુમાં જણાવ્યું કે હિન્દુ મેરેજ એક્ટની કલમ-8 હેઠળ રજિસ્ટ્રેશન માત્ર એ લગ્નનો પુરાવો આપે છે જે પહેલેથી જ કાયદેસર રીતે સંપન્ન થયા છે. તે પોતાની મેળે પતિ-પત્નીનો કાયદેસરનો દરજ્જો આપી શકતું નથી.હાઈકોર્ટે હિન્દુ પરંપરામાં સપ્તપદીના મહત્વનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે,ઋગ્વેદ અનુસાર સાત ડગલાં ભર્યા પછી વર અને કન્યા એકબીજાના સાથી અને મિત્ર બને છે.કોર્ટે કહ્યું કે હિન્દુ લગ્ન એક સંસ્કાર છે. લગ્ન માત્ર ગીત-સંગીત, ખાવા-પીવાનો કાર્યક્રમ કે કોઈ વ્યાવસાયિક સોદો નથી.જેના દ્વારા એક પુરુષ અને સ્ત્રી પરિવાર બનાવવા માટે જીવનભરના સમાન અને પરસ્પર સહમતીના સંબંધમાં બંધાય છે.કોર્ટે સ્પષ્ટ કર્યું કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જરૂરી વિધિઓ વિના માત્ર લગ્નનું પ્રમાણપત્ર કોઈ લગ્નને કાયદેસર હિન્દુ લગ્ન બનાવી શકતું નથી.હાઈકોર્ટે તે કથિત લગ્નને અમાન્ય જાહેર કર્યા અને તે વ્યક્તિને લગ્નનું રજિસ્ટ્રેશન અને સર્ટિફિકેટ રદ કરાવવા માટે સંબંધિત અધિકારી પાસે જવાની સૂચના આપી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની સંભાવના, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ