ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા આગામી 30 સપ્ટેમ્બર, 2026થી વિધિવત રીતે શરૂ કરવામાં આવશે. ભરતી બોર્ડના આ નિર્ણયથી લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકરક્ષક કેડરની 12,933 જગ્યાઓ માટે 1,98,063 ઉમેદવારો ચકાસણી પ્રક્રિયામાં જોડાશે

હાલમાં રાજ્યમાં લોકરક્ષક કેડરની કુલ 12,933 જગ્યાઓ ભરવા માટેની મસમોટી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રથમ તબક્કાની આ દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયામાં કુલ 1,98,063 ઉમેદવારોના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરવામાં આવશે. ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોએ નિયત સમયે અને સ્થળે હાજર રહેવું ફરજિયાત રહેશે.

https://twitter.com/GPRB_GNR/status/2098055481000706142

અસલ દસ્તાવેજો અને જાતિના પ્રમાણપત્રોની ચેકલિસ્ટ મુજબ રજૂઆત કરવી પડશે

દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોએ પોતાના તમામ જરૂરી અસલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. વિશેષરૂપે SEBC, SC અને ST કેટેગરીના ઉમેદવારોએ પોતાના જાતિ અંગેના દસ્તાવેજોની ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ચેકલિસ્ટ મુજબ રજૂઆત કરવાની રહેશે. યોગ્ય અને સાચા દસ્તાવેજ વગર ઉમેદવારી રદ થઈ શકે છે.

https://twitter.com/GPRB_GNR/status/2098333798031393230

ખાલી પડેલી જગ્યાઓ માટે મેરિટના આધારે વધુ ઉમેદવારોને બોલાવાશે

દસ્તાવેજ ચકાસણીની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો કોઈ જગ્યાઓ ખાલી રહેશે, તો કેટેગરી વાઈઝ અને મેરિટ યાદીના આધારે બાકી રહેતા ઉમેદવારોને આગળના તબક્કામાં બોલાવવામાં આવશે. ભરતી બોર્ડે તમામ ઉમેદવારોને બોર્ડની અધિકૃત વેબસાઈટ પરથી નિયમિતપણે સૂચનાઓ ચકાસવા માટે પણ સલાહ આપી છે.


આ પણ વાંચો: TARNETAR FAIR 2026: વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં 2500 પોલીસકર્મીઓનો લોખંડી બંદોબસ્ત