સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે યોજાતો વિશ્વપ્રસિદ્ધ 'તરણેતરનો મેળો' આગામી 14 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લોકનૃત્ય અને પરંપરાના આ મહાકુંભમાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજી નિરલિપ્ત રાયે પોતે મેળાવડાના તમામ સ્થળોની મુલાકાત લઈ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. મેળામાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અનેક રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના હોવાથી સુરક્ષા ચુસ્ત બનાવાઈ છે.
2500 પોલીસ જવાનો અને રાઈડ્સમાં પણ CCTV ફરજિયાત
મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા માટે કુલ 2,500 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. જેમાં 11 DYSP, 33 PI, 100 PSI સહિત હોમગાર્ડ અને GRD ના જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરક્ષા જવાનોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે.

સમગ્ર મેળાનગરમાં ફરજિયાત CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. એટલું જ નહીં, મેળામાં ચગડોળ અને રાઈડ્સ ચલાવતા તમામ સંચાલકોને પણ પોતાની રાઈડ્સ પાસે CCTV કેમેરા લગાવવા કડક આદેશ આપવામાં આવ્યો છે.

દ્રૌપદીના સ્વયંવર સાથે જોડાયેલો 250 વર્ષ જૂનો પૌરાણિક ઈતિહાસ
રાજકોટથી આશરે 75 કિમી દૂર આવેલા તરણેતરના આ મેળાનો ઈતિહાસ આશરે 200 થી 250 વર્ષ જૂનો માનવામાં આવે છે. મહાભારત કાળમાં દ્રૌપદીનો સ્વયંવર અહીં જ યોજાયો હોવાની પૌરાણિક લોકવાયકા છે. અહીંના ત્રિનેત્રેશ્વર મહાદેવના ધામમાં યોજાતો આ મેળો મુખ્યત્વે આદિવાસી યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદ કરવાનું કેન્દ્ર રહ્યો છે. મેળામાં ઝાલાવાડની રબારી મહિલાઓ દ્વારા પ્રખ્યાત 'રાહડો' અને 200 થી વધુ સ્ત્રીઓ દ્વારા એકસાથે એક વર્તુળમાં કરાતો રાસ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બને છે.

હસ્તકળા, શણગારેલી છત્રીઓ અને લોકસંસ્કૃતિનો સંગમ
તરણેતરનો મેળો તેના અનોખા લોકસંગીત, ભજન મંડળીઓ અને ભવ્ય હસ્તકળા માટે દુનિયાભરમાં જાણીતો છે. મેળામાં દર્શનાર્થીઓ માટે પરંપરાગત આભલા મઢેલા વસ્ત્રો, કલાત્મક ઘરેણાં, ચિત્રકામ, દેવ-દેવીઓની મૂર્તિઓ તેમજ વિવિધ પ્રકારના હાથે વણેલા હસ્તકળાના સ્ટોલ્સ ઊભા કરવામાં આવે છે. આ સિવાય જાદુના શો, ટેટૂ આર્ટિસ્ટ, અને મનોરંજનના ચગડોળ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ જમાવે છે.

આ પણ વાંચો: Surendranagar News: વણા ખાતે 154 વર્ષ જૂના સ્વયંભૂ હનુમાનજી મંદિરે ભવ્ય લોકમેળો યોજાયો