અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન પવિત્ર વિજયાદશમી (દશેરા) પર્વ નિમિત્તે સમગ્ર ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પરંપરાગત અને શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. રાજ્યના ચારેય મુખ્ય મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આધુનિક હથિયારો, સુરક્ષા સરંજામ, પોલીસ વાહનો તેમજ અશ્વ અને શ્વાન (ડોગ) સ્ક્વોડનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન સંપન્ન થયું હતું. રાજ્યના નાગરિકોની જાનમાલની રક્ષા કરવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અડીખમ રાખવા માટે પોલીસ બેડાએ એકતા અને સમર્પણનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

પોલીસ હેડક્વાર્ટર ખાતે CP બ્રજેશ ઝા અને JCP એ કરી પૂજા

રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વની ભવ્ય ઉજવણી અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને સંયુક્ત પોલીસ કમિશનર (JCP) ચૈતન્ય માંડલિક દ્વારા તમામ પોલીસ અધિકારીઓને સાથે રાખીને વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ જણાવ્યું કે, નવરાત્રિ દરમિયાન રાજકોટવાસીઓએ અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક માતાજીની આરાધના કરી છે, જેમાં પોલીસનો બંદોબસ્ત પણ સફળ રહ્યો છે.તેમણે ઉમેર્યું કે, આજે વિજયાદશમીએ રાવણ દહન સાથે સમાજમાં રહેલી બુરાઈઓ, દૂષણો અને અસામાજિક તત્વોની વૃત્તિઓનું પણ કાયમ માટે દહન થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે.

 CP અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં શાસ્ત્રોક્ત પૂજન

અમદાવાદ શહેરમાં વિજયાદશમી પર્વે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્ર પૂજન યોજાયું હતું.આ પ્રસંગે શહેર પોલીસના આધુનિક હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ સ્ક્વોડ તેમજ ગુના શોધક ડોગ સ્ક્વોડનું વિધિવત કંકુ-તિલક કરી ફૂલહાર ચઢાવી પૂજન કરાયું હતું.અમદાવાદ પોલીસ કોઈપણ આંતરિક કે બાહ્ય સુરક્ષા પડકારોને પહોંચી વળવા તમામ સાધન-સરંજામ સાથે સજ્જ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરી, શહેરમાં શાંતિ જાળવવા તમામ અધિકારીઓ અને જવાનોએ સામુહિક સંકલ્પ લીધો હતો.

 પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે શસ્ત્રો, વાહનો અને અશ્વની પૂજા

સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે દશેરાના મહાપર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.સુરત પોલીસ કમિશનર દ્વારા વેદિક મંત્રોચ્ચાર વચ્ચે શસ્ત્રોની આરતી ઉતારી પૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પોલીસ કાફલાના તમામ વાહનો અને પેટ્રોલીંગમાં અગત્યની ભૂમિકા ભજવતા અશ્વોની પૂજા કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

 સુરક્ષાની ખાતરી સાથે વાહનો અને સ્ક્વોડનું પૂજન

વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા પણ દશેરાના અવસરે શાસ્ત્રોક્ત પરંપરાનું પાલન કરતાં ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.શહેરવાસીઓની અડીખમ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડનું પૂર્ણ વિધિ-વિધાનથી પૂજન કરાયું હતું.વડોદરા પોલીસના અધિકારીઓ અને જવાનોએ કોઈપણ ઈમરજન્સી કે કાયદો-વ્યવસ્થાની કટોકટીમાં પ્રજાના રક્ષણ માટે સદૈવ તત્પર રહેવાના શપથ લીધા હતા.

આ પણ વાંચો: Vadodara: સાંસદ યુસુફ પઠાણ પર સરકાર ઓળઘોળ; વિવાદિત પ્લોટ પર VMC લગાવશે મંજૂરીની મહોર, 500 ચો.મી. જમીન મળશે મફત ભેટમાં