પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના બહેરામપુરથી ચૂંટાયેલા સાંસદ યુસુફ પઠાણ માટે વડોદરા સ્થિત વિવાદિત જમીન મામલે વર્ષો જૂની કાનૂની અને રાજકીય ખેંચતાણનો આખરે સુખદ અંત આવ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના બંગલાની પાછળ આવેલા રૂપિયા 20.53 કરોડની અંદાજિત કિંમતના 978 ચોરસ મીટરના વિવાદિત મ્યુનિસિપલ પ્લોટ ની ફાળવણી માટે રાજ્ય સરકારે સત્તાવાર લીલી ઝંડી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટમાંથી પોતાની અરજી બિનશરતી પાછી ખેંચી લીધા બાદ હવે આ પ્રસ્તાવ આગામી શુક્રવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) સમક્ષ અંતિમ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે.
સરકારનો સ્પેશિયલ કેસ ફોર્મ્યુલા
રાજ્ય સરકારના મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિશેષ ફોર્મ્યુલા મુજબ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા બદલ ભૂતપૂર્વ ખેલાડી તરીકે યુસુફ પઠાણને કુલ 978 ચોરસ મીટર પૈકી 500 ચોરસ મીટર જમીન રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે (ભેટ સ્વરૂપે) સોંપવામાં આવશે.બાકી રહેતી 478 ચોરસ મીટર જમીન નક્કી કરાયેલા બજાર મૂલ્યના 45 ટકા ડિસ્કાઉન્ટ (સબસિડીવાળા દરે) સાથે પઠાણને ટ્રાન્સફર કરવામાં આવશે.સરકારે પોતાના આદેશમાં સ્પષ્ટપણે નોંધ્યું છે કે, આ નિર્ણય માત્ર અને માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીના યોગદાનને બિરદાવવા ‘વિશેષ કિસ્સા’ (Special Case) તરીકે લેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં કોઈ અન્ય વ્યક્તિ આ નિર્ણયને મિસાલ કે આધાર બનાવીને જમીન માંગી શકશે નહીં. આ ફાળવણીથી વડોદરા મહાનગરપાલિકાને જે નાણાકીય જમીનનું નુકસાન થશે, તેના વળતરરૂપે રાજ્ય સરકારનો મહેસૂલ વિભાગ આ જમીનના સમકક્ષ મૂલ્ય જેટલી જ અન્ય સરકારી જમીન VMC ને ફાળવી આપશે.
