વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસના ખાસ અવસરે ગુજરાત પોલીસે સમાજ પ્રત્યે પોતાની સામાજિક અને સંવેદનશીલ જવાબદારી નિભાવતા એક અનોખી પહેલ કરી છે. રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓમાં વરિષ્ઠ નાગરિકો સાથે સંબંધો વધુ સુદ્રઢ બનાવવાનું રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસની અનોખી અને સંવેદનશીલ પહેલ

આ ઝુંબેશ હેઠળ પોલીસની વિવિધ ટીમો અને મહિલા સુરક્ષા માટે કાર્યરત 'શી ટીમ' (She Team) દ્વારા રાજ્યભરમાં 2,300થી વધુ સિનિયર સિટીઝનોની તેમના નિવાસસ્થાને રૂબરૂ જઈને શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતો દરમિયાન પોલીસે ઘરડા અને એકલવાયું જીવન જીવતા વડીલોની વ્યાવહારિક સમસ્યાઓ, સુરક્ષા સંબંધિત ચિંતાઓ અને જરૂરિયાતો અંગે નજીકથી જાણકારી મેળવી હતી.

સુરક્ષા, સાયબર સેફ્ટી અને હેલ્પલાઈન અંગે માર્ગદર્શન

વડીલો સાયબર ક્રાઈમ, ચોરી કે અન્ય કોઈ ગુનાનો ભોગ ન બને તે માટે સાયબર સેફ્ટી, હોમ સિક્યોરિટી અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો (જેમ કે 112, 181) વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘરમાં એકલતા અનુભવતા વડીલો પોતાને ઉપેક્ષિત કે અસુરક્ષિત ન અનુભવે તે માટે પોલીસે તેમની સાથે આત્મીય સંવાદ સાધીને 'પોલીસ તેમની સાથે જ છે' તેવો અહેસાસ કરાવ્યો હતો.આ અભિયાનથી પોલીસ અને વરિષ્ઠ નાગરિકો વચ્ચેનો વિશ્વાસ અને સંબંધો વધુ મજબૂત બન્યા છે, તેમજ પોલીસ કર્મચારીઓને પણ વડીલોની વિશિષ્ટ જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવવાનો પ્રયાસ કરાયો છે.

આ પણ વાંચો: Gandhinagar: રાજ્યની કોલેજોના લાઈબ્રેરિયનો માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય; 'શૈક્ષણિક' દરજ્જો આપવા મંજૂરી