દેશભરમાં 'પાવર સરપ્લસ' (વીજળીની વધારાની ઉપલબ્ધતા ધરાવતું) રાજ્ય ગણાતા ગુજરાતમાં અચાનક વીજ સંકટના વાદળો ઘેરાયા છે. ઑક્ટોબર મહિનામાં રાજ્યમાં વીજળીની પીક ડિમાન્ડ 29,822 મેગાવોટ ની ઓલ-ટાઈમ હાઈ સપાટી વટાવી ગઈ છે, જેના કારણે રાજ્ય સરકારે છેવટે કેન્દ્ર સરકાર સમક્ષ 1,000 મેગાવોટ વધારાના પાવરની માંગણી કરવી પડી છે. સામાન્ય નાગરિકના મનમાં પ્રશ્ન થાય કે જે રાજ્યમાં છત પર સોલાર પેનલ્સ અને દરિયાકાંઠે પવનચક્કીઓનું જાળું પથરાયેલું છે, ત્યાં અચાનક અછત કેમ ઊભી થઈ?
ગુજરાતમાં કુલ વીજ ક્ષમતા કેટલી છે?
સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) અને ઊર્જા મંત્રાલયના અહેવાલો મુજબ, ગુજરાત દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતાં રાજ્યોમાં અગ્રેસર છે. રાજ્યની કુલ સ્થાપિત ક્ષમતા (Installed Capacity) 75,000 મેગાવોટ (75 ગીગાવોટ) થી વધુ છે.
કયા સ્ત્રોતમાંથી કેટલી ક્ષમતા છે, તેનો વાસ્તવિક ચિતાર

તો પછી સંકટ ક્યાં ઊભું થયું? 'ધ સોલાર ટ્રેપ' અને સાંજનો સમય
ગુજરાત સામે ઊભી થયેલી સમસ્યા ઉત્પાદન ક્ષમતાની નથી, પરંતુ ઉત્પાદનની ઉપલબ્ધતાની છે.રાજ્યની કુલ ક્ષમતામાં 50,000મેગાવોટથી વધુ હિસ્સો રિન્યુએબલ એનર્જી (સોલાર + વિન્ડ) નો છે.દિવસે જ્યારે તડકો હોય છે ત્યારે રૂફટોપ સોલાર અને વિશાળ સોલાર પાર્ક્સ ધમધમે છે, જેથી દિવસનો પાવર આસાનીથી નીકળી જાય છે. પરંતુ સાંજે 6:30 વાગ્યા પછી સોલાર જનરેશન સીધું શૂન્ય (Zero) થઈ જાય છે.
પવનની ગતિ મંદ પડી
ઑક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લેતું હોવાથી પવનની ઝડપ ઘટી જાય છે. પરિણામે 15,000 મેગાવોટથી વધુની ક્ષમતા ધરાવતી વિન્ડ ટર્બાઈનો પણ માંડ 20 થી 25 ટકા ક્ષમતાએ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
પાણીની મર્યાદા (હાઇડ્રો પાવર)
નર્મદા (સરદાર સરોવર) અને ઉકાઈ જેવા ડેમ પર માત્ર 2,000 મેગાવોટ જેટલી જ હાઇડ્રો ક્ષમતા છે. હાઇડ્રો પાવર સામાન્ય રીતે બેઝ લોડ કે કટોકટીમાં થોડા કલાકો માટે જ વાપરી શકાય છે, તે 24 કલાક સમગ્ર રાજ્યનો લોડ ઉપાડી શકતો નથી.
કોલસા અને ગેસ પ્લાન્ટ્સ પર અસહ્ય બોજ
રિન્યુએબલ પાવર ઓછો થતાં રાત્રિનો તમામ ભાર કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સ પર આવે છે. પરંતુ કોલસા આધારિત પ્લાન્ટ્સ રાતોરાત પોતાની ક્ષમતાથી બમણું ઉત્પાદન કરી શકતા નથી. વળી, મોંઘા ગેસને કારણે ગેસ પ્લાન્ટ્સ પૂર્ણ ક્ષમતાથી ચલાવવા આર્થિક રીતે પોસાય તેમ નથી.
અલ નીનો અને અસામાન્ય ગરમી; માગમાં સીધો 26.60% નો ઉછાળો
ઓક્ટોબર મહિનામાં સામાન્ય રીતે ઠંડક શરૂ થતી હોય છે અને એસી-પંખાનો વપરાશ ઘટે છે. પરંતુ વૈશ્વિક વાતાવરણમાં સક્રિય 'અલ નીનો' (El Niño) ના કારણે ગુજરાતમાં ઓક્ટોબરમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી ઊંચું રહ્યું છે. અસહ્ય ઉકળાટને કારણે ઘરો અને ઓફિસોમાં મોડી રાત સુધી એર કંડિશનર્સ (AC) ચાલુ રહે છે.વરસાદ ખેંચાતાં અને શિયાળુ પાકની વાવણીની શરૂઆત થતાં ખેડૂતોને કૂવા અને બોરવેલના પંપ ચલાવવા રાત્રે વીજળીની તાતી જરૂર પડી છે.આ બેવડા ફટકાથી માત્ર 7 દિવસમાં વીજ વપરાશમાં 26.60% નો જંગી ઉછાળો આવ્યો અને માંગ 29,822 મેગાવોટે પહોંચી ગઈ.
સરકારનો પ્લાન B, કેન્દ્ર પાસે 1000 મેગાવોટ અને ઉદ્યોગો પર કાપ
રાજ્યમાં અંધારપટ ટાળવા માટે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે બે સ્તરીય વ્યૂહરચના અપનાવી છે. નેશનલ પાવર ગ્રીડના સેન્ટ્રલ પૂલમાંથી તાત્કાલિક ધોરણે 1,000 મેગાવોટ પાવર ફાળવવા કેન્દ્ર સમક્ષ હાથ ફેલાવ્યા છે, જેથી સાંજથી રાતના ગાળામાં ગ્રીડ સ્થિર રહે. જ્યાં સુધી વધારાનો પાવર ન મળે ત્યાં સુધી મોટા ઉદ્યોગ ગૃહોને સાંજના પીક-અવર્સ (સાંજે 6 થી રાત્રે 10) દરમિયાન પાવર કંજમ્પશન ઘટાડવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી રહેણાંક અને કૃષિ ક્ષેત્રમાં વીજ કાપ ન આપવો પડે.
આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતમાં વીજળીની માગમાં 26.60નો તોતિંગ ઉછાળો થતા સચિવાલયમાં દોડધામ; ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક