રાજ્યમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા તેમજ ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર પુનઃ પધરામણી કરી છે. ભરૂચના જંબુસર પંથકના ડાભા, ભાણખેતર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ગામડાઓની શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદને કારણે ખેતરમાં ઉભેલા પાકને નવજીવન મળતાં ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે.

ગુજરાતમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

આ ઉપરાંત અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લાઠી અને ખાંભા ગીરના ડેડાણ, ત્રાકુડા, ભૂંડણી અને રાણીગપરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ઢળતી સંધ્યાએ વાતાવરણમાં પલટો આવ્યા બાદ તોફાની વરસાદ શરૂ થયો હતો. છેલ્લા બે દિવસથી અમરેલી પંથકમાં સતત વરસી રહેલા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં પણ સાંજના સમયે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. શહેરના થલતેજ, વેજલપુર, બોપલ, આનંદનગર અને પ્રહલાદનગર સહિતના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં નીચાણવાળા સોસાયટી અને રોડ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભાવનગરના ઘોઘા તાલુકાના કુકડ, પાણીયાળી, ત્રાપજ, તણસા અને કંટાળા ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.

તોફાની વરસાદથી અંબાજી પદયાત્રીઓ અટવાયા

બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના દાંતા-પાલનપુર હાઇવે પર પવન સાથે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં વાહનચાલકો અને ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી પગપાળા જઈ રહેલા સંઘો તથા પદયાત્રીઓ અટવાઈ પડ્યા હતા. ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. જ્યારે અરવલ્લીના મેઘરજમાં દિવસભરના વિરામ બાદ સાંજે વરસાદ વરસવાની સાથે આકાશમાં રમણીય મેઘધનુષ્યનો નજારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Dahod: એસપી ઓફિસ નજીકના નેત્રમ્ સીસીટીવી કંટ્રોલ સેન્ટરમાં પેનલ રૂમના બે AC બ્લાસ્ટ