વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ખાણીપીણીની અયોગ્ય આદતોને કારણે સ્વાસ્થ્ય સંબંધી જોખમો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં હૃદય રોગને લગતી ઈમર્જન્સીમાં 13.60 ટકાનો મોટો વધારો થયો છે. રાજ્યમાં વર્ષ 2026માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના માત્ર આઠ મહિનાના સમયગાળામાં જ હાર્ટની તકલીફને લગતા 72307 ઈમર્જન્સી કેસ નોંધાયા છે. જ્યારે ગત વર્ષ 2025માં આ જ સમયગાળા દરમિયાન 63652 કેસ સામે આવ્યા હતા. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળી રહેલા આવા કોલ્સમાં સતત ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં સૌથી વધુ 18589 કોલ્સ નોંધાયા

આંકડાઓ પર નજર કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ 18589 કોલ્સ નોંધાયા છે. જ્યાં ગત વર્ષના આ જ આઠ મહિનામાં 16058 કેસ આવ્યા હતા. આમ એક વર્ષમાં હૃદય રોગને લગતી ઈમર્જન્સીમાં 2.73 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, સુરતમાં કાર્ડિયાક ઈમર્જન્સીમાં 5.27 ટકાનો વધારો નોંધાયો છે. જ્યાં ગત વર્ષના 8 મહિનાના 5202 કેસની સામે વર્ષ 2026ના આઠ મહિનામાં 5550 કેસ નોંધાયા છે. વડોદરામાં પણ ગત વર્ષના 3370 કેસ સામે આ વખતે વધીને 3592 ઈમર્જન્સી નોંધાઈ છે. સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગરમાં ગત વર્ષે 3326 કોલ્સ કાર્ડિયાકને લગતા હતા જે આ વખતે 16.42 ટકાના વધારા સાથે 3872 કેસ પર પહોંચ્યા છે. 

ભરૂચમાં 24 ટકાના વધારા સાથે 1062 કેસ નોંધાયા

ભરૂચમાં 24 ટકાના વધારા સાથે 1062 કેસ, દાહોદમાં 30.36 ટકાના વધારા સાથે 1271 કેસ, દેવભૂમિ દ્વારકામાં 41.35 ટકાના વધારા સાથે 1176 કેસ, બોટાદમાં 41.86 ટકાના વધારા સાથે 549 કેસ અને મોરબીમાં સૌથી વધુ 63.08 ટકાના ભયજનક વધારા સાથે 1060 કેસ નોંધાયા છે.તબીબોના મતે આ ગંભીર સ્થિતિ પાછળ મુખ્ય કારણોમાં જંકફૂડનો વધુ પડતો ઉપયોગ, તણાવભરી જીવનશૈલી, તેમજ આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન જવાબદાર છે, જેના કારણે આજે યુવાનોના હૃદય પણ ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છે. તબીબો સલાહ આપે છે કે જે લોકોને હૃદય રોગની તકલીફ હોય તેમણે તબીબી માર્ગદર્શન અનુસાર નિયમિતપણે હળવી કસરત કરવી જોઈએ અને શરીરની તંદુરસ્તી જાળવવા માટે પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ આવશ્યક છે.

આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી