વર્તમાન સમયમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ અવિરતપણે વધી રહ્યા છે અને ભેજાબાજ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને ડરાવીને લૂંટવા માટે નવા નવા પેંતરા રચી રહ્યા છે. રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાયબર ગઠિયાઓએ એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવીને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. જો કે આ પરિસ્થિતિમાં વૃદ્ધ દંપતીએ ગભરાઈ જવાના બદલે હિંમત અને સતર્કતા દાખવી હતી. જેના પરિણામે રાજકોટ પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી આ દંપતીનો આબાદ બચાવ થયો હતો.
વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટમાં મોડી રાત્રે સાયબર ગુનેગારોએ એક વૃદ્ધ દંપતીના ઘરે ફોન કર્યો હતો. ફોન કરનાર શખ્સોએ પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઉચ્ચ અધિકારીઓ તરીકે આપી હતી. ઠગોએ દંપતીને ડરાવતા દાવો કર્યો હતો કે તેમના નામે કોઈ મોટું બેંક ખાતું ચાલી રહ્યું છે અને તેમાંથી 2 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ તથા ગેરકાયદેસર વ્યવહારો મામલે 25 લાખ રૂપિયાની શંકાસ્પદ રકમ ટ્રાન્સફર થઈ ચૂકી છે.આ ગંભીર ગુનામાં તેમની સંડોવણી હોવાનું જણાવીને કાયદેસરની ધરપકડથી બચવા માટે સતત સર્વેલન્સ હેઠળ રહેવાની ખોટી ધમકી આપવામાં આવી હતી.
દંપતીએ ડર્યા વિના જ પોલીસનો સંપર્ક કર્યો
અડધી રાત્રે આવેલા આ ધાકધમકીભર્યા ફોનથી વૃદ્ધ દંપતી માનસિક રીતે ભાંગી પડ્યું હતું અને ભારે ડરમાં જીવી રહ્યું હતું. ગઠિયાઓએ તેમની પર સતત નજર રાખવાના દાવા સાથે વિડિયો કોલ કે અન્ય માધ્યમો દ્વારા ડિજિટલ મોનિટરિંગ હેઠળ રાખ્યા હતા. આ પ્રકારે સતત ચાર કલાક સુધી વૃદ્ધ દંપતી ભયના સાયા હેઠળ ડિજિટલ એરેસ્ટ જેવી સ્થિતિમાં રહ્યું હતું. સાયબર ઠગો તેમને કોઈપણ બહારના વ્યક્તિ કે પરિવારજનો સાથે સંપર્ક ન કરવા દબાણ કરી રહ્યા હતા જેથી તેમની પોલ છતી ન થાય. આ વૃદ્ધ દંપતીએ આખરે પોતાની માનસિક મક્કમતા જાળવી રાખી હતી અને આ સમગ્ર મામલો શંકાસ્પદ હોવાનું તેમને અનુભવાયું હતું. દંપતીએ ડરને બાજુ પર મૂકીને અત્યંત હિંમત દાખવી અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધીને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી.
પોલીસે લોકોને અપીલ કરી
રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમને આ ગંભીર કિસ્સા અંગે સૂચના મળતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમયસૂચકતા દાખવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક તે વૃદ્ધ દંપતીના નિવાસ્થાને દોડી ગઈ હતી અને તેમને સાયબર ઠગોના વર્ચ્યુઅલ ચુંગલમાંથી સહીસલામત મુક્ત કરાવ્યા હતા. પોલીસે દંપતીને સાંત્વના આપીને સમજાવ્યું હતું કે આ સંપૂર્ણપણે સાયબર ઠગોનું એક મોટું પ્રપંચ અને બોગસ કાવતરું હતું જેમાં ડરવાની કોઈ જરૂર નથી. આ ઘટના બાદ પોલીસે ફરી એકવાર નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ સરકારી એજન્સી કે પોલીસ ક્યારેય ફોન કે વીડિયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટ'કરતી નથી. આવા કોઈ પણ શંકાસ્પદ કે ધમકીભર્યા કોલ આવે તો તરત જ ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ જેથી સમયસર અસામાજિક તત્વોના મનસૂબાઓને નિષ્ફળ બનાવી શકાય.
આ પણ વાંચોઃ Vapi: સેલવાસ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ : 395 કેસોનો સુખદ નિકાલ