ઔદ્યોગિક વિકાસની આંધળી દોટ વચ્ચે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સામે અત્યંત ગંભીર ખતરો ઉભો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સાબરમતી, મહી, નર્મદા અને તાપી નદીઓના પાણીમાં અત્યંત જોખમી એવા 'ફોરેવર કેમિકલ્સ' (PFAS) નું ઝેર ભળી રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ગંભીર બાબતની નોંધ લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ લાલ આંખ કરી છે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તેમજ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) પાસે જવાબ માંગ્યો છે.

ગુજરાતની નદીઓના પાણીમાં ફોરેવર કેમિકલ્સનું ઝેર

આંતરરાષ્ટ્રીય સ્તરની વૈજ્ઞાનિક જર્નલ 'Hazardous Materials Advances' માં પ્રકાશિત થયેલા એક સંશોધન અહેવાલમાં ભારતના ઔદ્યોગિક રાજ્યોમાં પાણીની ગુણવત્તાને લઈને અત્યંત ચિંતાજનક સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ અહેવાલ મુજબ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની નદીઓ અને ભૂગર્ભજળમાં ઝેરી PFAS રસાયણો વહી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની ચાર મુખ્ય નદીઓ—સાબરમતી, મહી, નર્મદા અને તાપીની સ્થિતિ સૌથી વધુ ખરાબ હોવાનું સામે આવ્યું છે.

કેમિકલ, ફાર્મા, ટેક્સટાઇલ અને પેઇન્ટ ઉદ્યોગો સામે ઉઠ્યા સવાલો

નદીઓ અને ભૂગર્ભજળમાં ભળી રહેલા આ ઔદ્યોગિક પ્રવાહી કચરાને કારણે જળસ્ત્રોતો પ્રદૂષિત થવાની પ્રબળ આશંકા વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને કેમિકલ, ફાર્મા, ટેક્સટાઇલ અને પેઇન્ટ ઉદ્યોગોની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નિષ્ણાતોના મતે, ટેક્સટાઇલ ઉદ્યોગોમાં વપરાતા વિવિધ કેમિકલ્સમાંથી PFAS ઉત્પન્ન થવાની શક્યતા વધુ રહેલી છે, જે યોગ્ય ટ્રીટમેન્ટ વિના નદીઓમાં ઠલવાતા પાણી ઝેરી બની રહ્યું છે.

ફોરેવર કેમિકલથી કેન્સરનું જોખમ, સામાન્ય પ્લાન્ટમાં દૂર કરવા મુશ્કેલ

PFASને 'ફોરેવર કેમિકલ્સ' એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે પર્યાવરણમાં અને માનવ શરીરમાં લાંબા સમય સુધી નાશ પામતા નથી. આ રસાયણોના સંપર્કમાં આવવાથી માનવ સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભું થાય છે અને ખાસ કરીને ચોક્કસ પ્રકારના કેન્સરનું જોખમ પણ વધી શકે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, સામાન્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીમાંથી PFAS કેમિકલ્સને સંપૂર્ણપણે દૂર કરવા અત્યંત મુશ્કેલ છે, જેના કારણે પીવાના પાણી મારફતે આ ઝેર સીધું લોકોના શરીરમાં પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Junagadh: રબારીકા ગામે ખેડૂતને મોતને ઘાટ ઉતારનાર સિંહણ આખરે પાંજરે પુરાઈ; ફુલઝર નદીના કિનારે 5 પાંજરા ગોઠવી વન વિભાગે પકડી