રાજ્યની અગ્રણી અને સૌથી મોટી એવી ગુજરાત યુનિવર્સિટીમાંથી શિક્ષણ જગતને હચમચાવતો એક મોટો વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા M.Sc. (રસાયણશાસ્ત્ર) ના વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂરી એવી કેમિસ્ટ્રી લેબ સમયસર ન બનવાને કારણે માહોલ ગરમાયો છે. વિદ્યાર્થીઓના પ્રાયોગિક અભ્યાસ પર સીધી અસર પડતી હોવા છતાં લેબનું કામ અટવાઈ જતાં શૈક્ષણિક વર્તુળોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
લેબની રીનોવેશન ફાઇલ ત્રણ વખત ગુમ થયાનો આક્ષેપ અને ચેટ વાયરલ
આ વિવાદે તે સમયે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે લેબના રીનોવેશન માટે તૈયાર કરવામાં આવેલી મહત્વપૂર્ણ ફાઇલ એક કે બે વાર નહીં પરંતુ પૂરી ત્રણ વખત રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની ચર્ચા કરતી એક વોટ્સએપ ગ્રુપની ચેટ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ છે, જેના કારણે યુનિવર્સિટીના વહીવટી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ખડા થયા છે.
