અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત અને સંલગ્ન કૉલેજોમાં ચાલતી વ્યાપક પ્રવેશ પ્રક્રિયા હવે સત્તાવાર રીતે પૂર્ણ થઈ ચૂકી છે. યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત આંકડાઓ મુજબ, ચાલુ શૈક્ષણિક વર્ષ માટે યુજી (UG) અને પીજી (PG) ના વિવિધ અભ્યાસક્રમો મળીને કુલ 76,190 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. લાંબી કવાયત અને ચરણબદ્ધ રાઉન્ડ બાદ યુનિવર્સિટીમાં પ્રવેશનો આંકડો આ સપાટીએ પહોંચ્યો છે.
PG કોર્ષોમાં 19 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, અંડરગ્રેજ્યુએટ (UG) કોર્ષો માટે કુલ ચાર રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોમર્સ, આર્ટ્સ સહિતના મુખ્ય પ્રવાહોની 65 હજારથી વધુ બેઠકોમાંથી 57,075 બેઠકો ઉપર જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે બીજી તરફ, માસ્ટર ઓફ આર્ટ્સ (M.A), એમસીએ (MCA) સહિતના પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) કોર્ષોમાં અંદાજે 19 હજાર બેઠકો ભરાઈ હોવાનું સામે આવ્યું છે.
